
અમદાવાદ, 11 જુલાઈ 2024, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ અંગે આપેલા નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને બજરંગદળના કાર્યકરોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી. આ પાંચેય કાર્યકરોએ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં
જામીન અરજીની સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.આમ પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી છે હવે તેમણે જેલમાં રહેવું પડશે.1 જુલાઈની મોડી રાતના ચાર વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં. કેટલાંક પોસ્ટર પર કાળો સ્પ્રે માર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.
ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા
ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પથ્થરમારામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એસીપી,કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલા અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: બલ્ગેરિયન યુવતી કાંડ બાદ રાજીવ મોદીની કંપનીઓમાંથી ટોચના અધિકારીઓના ધડાધડ રાજીનામા