રાજ્યમાં ગેરકાયદેસર માંસ -મટનની દુકાનો બંધ કરાવવા કોર્ટનો આદેશ
- ડીસાના વકીલ અને જીવદયા પ્રેમી દ્વારા કરાઈ હતી પિટિશન
પાલનપુર : ગુજરાત રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને માંસ – મટનની દુકાનો બંધ કરાવવા હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેમાં ડીસાના વકીલ અને જીવદયા પ્રેમી ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા દાખલ કરાયેલી પિટિશન બાદ કોર્ટે કરેલા હુકમ પછી રાજ્યનું તંત્ર દોડતું થયું છે. રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારોમાં તંત્રએ આવી ગેરકાયદેસર માંસ -મટનની દુકાનો સામે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પાલિકાના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા હોવાના અહેવાલ છે.
બનાસકાંઠા જિલ્લામાં 88 જેટલી ગેરકાયદેસર દુકાનો અને કતલખાના હોવાનો સામે આવ્યું હતું. જેની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરાતા તપાસ દરમિયાન આવા 96 જેટલા એકમ સામે આવ્યા હતા. જેમની સામે કેસ ફાઈલ કરવામાં આવ્યા છે. તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. જોકે કોઈપણ દુકાન કે કતલખાનું સીલ કરવામાં આવ્યું નથી. જેને લઇને ડીસાના વકીલ અને જીવદયા પ્રેમી ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ જણાવ્યું હતું કે, કોર્ટના આદેશને લઈને તંત્ર હજુ ગંભીર નથી, અને ઠોસ કાર્યવાહી કરવામાં ખો આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે હવે કોર્ટમાં સરકાર ગેરકાયદેસર કતલખાના અને માંસ -મટન વેચાતી હોય તેવી દુકાનો અંગેનો શું રિપોર્ટ કરે છે, તેના ઉપર આગળ કાર્યવાહી થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર: ડીસા તાલુકા પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત અટક્યું