કેજરીવાલના વિશ્વાસુ સાંસદ સંજય સિંહની ધરપકડ કરવા અદાલતનો આદેશ
ઉત્તરપ્રદેશ, 21 ઓગસ્ટ, 2024: આમ આદમી પાર્ટીના સાંસદ અને કેજરીવાલના વિશ્વાસુ સંજય સિંહ ખરાબ રીતે ફસાયા છે. સંસદ સભ્ય હોવા છતાં કાયદાનું પાલન નહીં કરનાર સંજય સિંહની ધરપકડ કરવા ઉત્તરપ્રદેશમાં સુલતાનપુરની અદાલતે પોલીસને આદેશ આપ્યો છે.
સુલતાનપુરની અદાલતે પોલીસને આદેશ આપ્યો છે કે સંજય સિંહની ધરપકડ કરીને તેને 28 ઓગસ્ટે અદાલતમાં હાજર કરવા. આ ઉપરાંત અદાલતે સંજય વિરુદ્ધ જારી થયેલા બિનજામીન પાત્ર વૉરન્ટની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી પણ ફગાવી દીધી છે.
વાસ્તવમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ વિરુધ બે દાયકા જૂનો કેસ ચાલે છે અને તે સુનાવણીમાં હાજર થતા જ નથી. આ કારણે સુલતાનપુરની અદાલતે ગઈકાલે 20 ઓગસ્ટની સુનાવણી દરમિયાન ગુસ્સે થઈ હતી અને સંજય સિંહની કાયમી ગેરહાજરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ 13 ઓગસ્ટે સંજય સિંહ, સમાજવાદી પાર્ટીના નેતા અનુપ સાંડા તથા બીજા ચાર આરોપીઓ વિરુદ્ધ બિનજામીન પાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યું હતું જેની સુનાવણી મંગળવારે થવાની હતી. જોકે આમ છતાં આરોપી અદાલતમાં હાજર રહ્યા નહીં.
અહેવાલ મુજબ, 19 જૂન, 2001ના રોજ સુલતાનપુરમાં વીજળીની સમસ્યા અંગે સપાના ભૂતપૂર્વ ધારાસભ્ય અનુપ સાંડાના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું જે દરમિયાન હિંસા અને તોડફોડને કારણે નેતાઓ વિરુદ્ધ કોતવાલી નગરના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. વિશેષ મેજિસ્ટ્રેટ યોગેશ યાદવે 11 જાન્યુઆરી, 2023ના રોજ આ કેસનો ચુકાદો આપતા તમામ છ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ મહિનાની કેદની સજા ફટકારી હતી. આ કેસની વધુ સુનાવણી દરમિયાન નવમી ઓગસ્ટ, 2024ના રોજ 6 આરોપીઓને એમપી/એમએલએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે સંજય સિંહ તમામ આરોપીઓ ત્યારે પણ હાજર ન રહેતા મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ તમામ વિરુદ્ધ બિનજામીન પાત્ર વૉરન્ટ જારી કર્યું હતું.
આ દરમિયાન સુલતાનપુરની એમપી/એમએલએ અદાલતમાં આપ સાંસદ સંજય સિંહ વિરુદ્ધના બિનજામીન પાત્ર વૉરન્ટ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. એડવોકેટ રુદ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, અદાલતે બિનજામીન પાત્ર વૉરન્ટ યથાવત્ રાખ્યું છે. હવે 28 ઓગસ્ટે સુનાવણી થશે.
આ પણ વાંચોઃ કોલકાતા કેસ પર પોસ્ટ કરવા બાબતે મિમી ચક્રવર્તીને મળી રેપની ધમકી