પોલીસને ધમકાવવાના કેસમાં કોર્ટે અમાનતુલ્લા ખાનને આપી રાહતઃ જાણો કેસ
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી, 2025: આરોપીની ધરપકડ માટે ગયેલી પોલીસને ધમકાવવાના કેસમાં અદાલતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને રાહત આપી છે. કોર્ટે તેની ધરપકડ ઉપર હાલ પૂરતો સ્ટે મૂકી દીધો છે અને તેને તપાસમાં સહકાર આપવા આદેશ આપ્યો છે.
દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ પર રોક લગાવી છે. સાથે જ અદાલતે અમાનતુલ્લાહને પોલીસની તપાસમાં સહયોગ કરવા કહ્યું છે. જો કે, સરકારી વકીલે કહ્યું કે તત્કાલ તેમને વિસ્તારમાંથી દૂર રાખવા જોઈએ કારણ કે તેમને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉભી થઈ શકે. જોકે અમાનતુલ્લાહના વકીલે દલીલ કરી કે તે ત્યાંના ધારાસભ્ય છે અને ત્યાં જ રહેવાના છે.
અમાનતુલ્લાહે રાઉઝ એવેન્યૂ કોર્ટમાં આગોતરી જામીન અરજી દાખલ કરી હતી. અદાલતે પૂછ્યું કે તમે આટલા દિવસ સુધી શું કરી રહ્યા હતા? અને આગોતરી જામીન માટે અરજી કરવામાં વિલંબ શા માટે થયો? અમાનતુલ્લાહ પર આરોપ છે કે તેમણે સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો અને પોલીસ જે આરોપીની ધકપકડ કરવા ગઈ હતી તે શખ્સને અમાનતુલ્લાહે બચાવવાનો પ્રયાસ કર્યો.
આ અગાઉ, દિલ્લી પોલીસે સોમવારે જામિયા નગરમાં એક પોલીસ ટુકડી પર હુમલાના મામલે અમાનતુલ્લાહ ખાન સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસ અનુસાર, ધારાસભ્યની આગેવાની હેઠળ એક ભીડ ભેગી થઈ અને હત્યાના પ્રયાસના આરોપીને પોલીસ અટકાયતમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે શહબાઝ ખાન નામના આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન અમાનતુલ્લાહના સમર્થકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા અને શહબાઝ ફરાર થવામાં સફળ રહ્યો.
આ ઘટનાને લઈને દિલ્હીની ભાજપ એકમના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગુનાઈત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમાનતુલ્લાહ ખાન એવા એક નેતા છે જેમના વિરુદ્ધ પહેલાથી જ અનેક કેસ ચાલી રહ્યા છે. હવે તેમણે એક આરોપીને પોલીસની ધરપકડમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.
તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાને ભારતીય જનતા પાર્ટીના મનીષ ચૌધરીને 23,639 મતોથી પરાજય આપ્યો હતો.
પોતાની સામેના સંગીન આરોપો અંગે બચાવ કરતા અમાનતુલ્લાહે કહ્યું કે મને એક વ્યક્તિને બચાવવા માટે કહેવામાં આવ્યું હતું અને મને જણાવાયું કે તે વિસ્તારનો જ રહેવાસી છે. મારો તે વ્યક્તિ સાથે કોઈ ખાસ સંબંધ નથી. જ્યારે મેં સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે કેટલાક લોકો તેને ધમકી આપી રહ્યા હતા.
અમાનતુલ્લાહે વધુમાં જણાવ્યું કે પાછળથી જાણવા મળ્યું કે 2018માં તેને સાકેત અદાલત તરફથી આગોતરી જામીન મળી ગયા હતા. તેમ છતાં સાદા કપડાંમાં આવેલા લોકો, જે પોતાને પોલીસ તરીકે ઓળખાવી રહ્યા હતા તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અન્ય લોકોને પણ ધમકાવી રહ્યા હતા. ધારાસભ્યે દાવો કર્યો કે આ સાદા કપડાંમાં આવેલા લોકો પોતાનૂ ઓળખ આપવા તૈયાર નહોતા અને મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. તેમણે વધુમાં જણાવ્યું કે જે વ્યક્તિને તેઓ પકડવા માગતા હતા તેણે જ્યારે કોર્ટનો આદેશ બતાવ્યો ત્યારે તે લોકો ત્યાંથી ચાલી ગયા.
આ પણ વાંચોઃ હિન્દુ લગ્ન એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો: લગ્ન અમાન્ય હોય તો ભરણપોષણ માંગી શકાય