દિલ્હી લિકર પોલિસી કેસમાં BRS નેતા કવિતાને કોઈ રાહત નહીં, કોર્ટે 3 દિવસના રિમાન્ડ લંબાવ્યા
નવી દિલ્હી, 23 માર્ચ: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ કે.કવિતાના ED રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યા છે. આજે સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. હાજરી દરમિયાન EDએ કોર્ટને કે.કવિતાના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જે બાદ કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ EDને આપ્યા હતા.
તપાસ એજન્સીએ કોર્ટમાં કહ્યું કે તેઓએ BRS નેતા કવિતાનું નિવેદન લીધું છે. તેમજ તેમના મોબાઇલની તપાસ કરાઈ છે. પરંતુ ફોરેન્સિક સાયન્સના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તપાસ દરમિયાન કવિતાએ ડેટા ડિલીટ કર્યો હતો, હવે તેમની પૂછપરછ માટે વધુ પાંચ દિવસના રિમાન્ડની જરૂર છે. જેના પર હવે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કે કવિતા પર 100 કરોડની લાંચ લેવાનો આરોપ
EDએ કોર્ટને જણાવ્યું કે કે કવિતાની ભત્રીજી મેખા સરનના ઘરે પણ છાપેમારી ચાલુ છે. તેઓએ અન્ય લોકોના નિવેદન પણ નોંધ્યા છે, હવે કવિતાની પૂછપરછ કરવા માટે વધુ પાંચ દિવસના રિમાન્ડની જરૂર છે. EDએ કહ્યું કે તેમણે કોર્ટને પહેલેથી જ કહ્યું છે કે લિકર પોલિસી કેસમાં 100 કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. બીજી તરફ, કવિતાએ કોર્ટને કહ્યું કે આ કેસ ખોટો અને બનાવટી છે, તે તેની સામે કોર્ટમાં કેસ લડશે.
કે કવિતાની 15 માર્ચે ધરપકડ કરાઈ હતી
તેલંગાણા વિધાન પરિષદના સભ્ય કવિતાની ED દ્વારા 15 માર્ચે સાંજે 5:20 વાગ્યે હૈદરાબાદના બંજારા હિલ્સ ખાતેના તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. હકીકતમાં, કે કવિતાએ દારૂ નીતિ કૌભાંડ કેસમાં EDના કેટલાક સમન્સની અવગણના કરી હતી. વારંવાર સમન્સ આપવા છતાં તે હાજર થયા ન હતા.
આ પણ વાંચો: દિલ્હી આબકારી નીતિ: BRS નેતા કે. કવિતાને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર