ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદમાં ઘૂસણખોરી કરનારા આરોપીઓની કોર્ટે 15 દિવસની કસ્ટડી લંબાવી

  • ચાર આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
  • ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાની જવાબદારી CISFને સોંપી

નવી દિલ્હી, 21 ડિસેમ્બર : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સંસદમાં ઘૂસણખોરીના ચાર આરોપીઓની કસ્ટડીનો સમયગાળો 15 દિવસ માટે વધારી દીધો છે. ચાર આરોપીઓ જેવા કે નીલમ, મનોરંજન, સાગર, અમોલને પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાની જવાબદારી 13 ડિસેમ્બરે થયેલી આ ઘટનાને પગલે હવે CISFને સોંપી છે. CISFની ટીમ દ્વારા સંસદ ભવનના સંકુલનો સર્વે કરવામાં આવશે.

તપાસમાં મળ્યા મહત્વના પુરાવા : દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસે કોર્ટમાં ચારેય આરોપીઓના 15 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે, “અમને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. જેથી તપાસ માટે નીલમ, મનોરંજન, સાગર, અમોલને ઘણી જગ્યાએ લઈ જવા પડે તેમ છે. ઘટનાનો સાચો હેતુ જાણવાનો બાકી છે. પરંતુ અમને કેટલાક પુરાવા મળ્યા છે તેમજ ખાસ લોકો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવાના છે અને મળેલા પુરાવાઓનું ક્રોસ વેરિફિકેશન કરવાનું છે.

સમગ્ર ષડયંત્ર હજુ બહાર નથી આવ્યું : પોલીસ

દિલ્હી પોલીસે પોતાની દલીલોમાં કહ્યું હતું કે, “સમગ્ર ષડયંત્ર શોધવાનું બાકી છે, રસ્તો શોધવાનો બાકી છે  અને લોકો કોણ છે તે પણ તપાસવાનું છે.” આ સાથે દિલ્હી પોલીસે એમ પણ કહ્યું કે, “છેલ્લા સાત દિવસની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી જાહેર અદાલતમાં તપાસની વિગતો બહાર લાવી શકાતી નથી.

આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ

મળતી માહિતી મુજબ, આ પહેલા બુધવારે આ આરોપીઓને સ્પેશિયલ સેલની ‘કાઉન્ટર ઈન્ટેલિજન્સ’ (CI) ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા અને એકબીજાની સામસામે બેસાડવામાં આવ્યા હતા. નીલમ અને મનોરંજન નામના બે આરોપીઓને ​​પહેલાથી જ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં સીઆઈ ઓફિસમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બેને અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા. સાગર શર્મા, મનોરંજન ડી, નીલમ અને અમોલ શિંદે નામના ચાર આરોપીઓની આજે સાત દિવસની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અન્ય બે યુવકોની પણ અટકાયત કરવામાં આવી

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કર્ણાટકના વિદ્યાગીરીમાંથી ક્રિષ્ના નામના સોફ્ટવેર એન્જિનિયર અને યુપીના ઓરાઈ જિલ્લામાંથી 50 વર્ષીય બેરોજગાર યુવક અતુલની અટકાયત કરી છે. સાંઈ કૃષ્ણ નામનો આરોપી બેંગ્લોરનો રહેવાસી છે અને એક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર છે. ઉલ્લેખનીય છે કે, સાંઈ કૃષ્ણ બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે ધરપકડ કરાયેલા આરોપી મનોરંજન સાથે રૂમ મેટ હતો. મનોરંજનની ડાયરીમાંથી સાંઈ કૃષ્ણ વિશેના ઈનપુટ મળ્યા હતા જે બાદ તેની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ આજે કોર્ટમાં આ બંને વિશે પણ માહિતી આપશે.

આ પણ જુઓ :સંસદની સુરક્ષા ભંગના કેસમાં કર્ણાટકના પૂર્વ પોલીસ અધિકારીના પુત્રની અટકાયત

Back to top button