ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

કેજરીવાલને કોર્ટનો સવાલઃ સમન્સ છતાં પૂછપરછ માટે હાજર કેમ નથી થતા?

નવી દિલ્હી, 20 માર્ચ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અત્યાર સુધી 9 સમન્સ મોકલ્યા છે, પરંતુ સીએમ ED સમક્ષ હાજર થયા નથી. કેજરીવાલે EDના સમન્સને ગેરકાયદે ગણાવીને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. કેજરીવાલની અરજી પર બુધવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. જો કે અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી. હાઈકોર્ટે પૂછ્યું કે, કેજરીવાલ સમન્સ પાઠવ્યા છતાંય કેમ હાજર નથી રહેતા? તમને ED સમક્ષ હાજર થવાથી શું રોકી રહ્યું છે?

હાઈકોર્ટે પૂછ્યું- કેજરીવાલ કેમ સમન્સ પર હાજર નથી થતા

કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી. દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું કે તમે સમન્સ પર કેમ હાજર ન થયા. આ અંગે કેજરીવાલના વકીલ સિંધવીએ કહ્યું કે આ કેસમાં 9 સમન્સ જારી કરાયા છે. અમે બધાના જવાબો દાખલ કર્યા. અમે કહ્યું છે કે અમે વર્ચ્યુઅલ રીતે જવાબ આપવા માટે તૈયાર છીએ. સિંધવીએ વધુમાં કહ્યું કે, હાજર થવામાં અમને કોઈ સમસ્યા નથી, પરંતુ થોડી સુરક્ષાની જરૂર છે. સિંઘવીએ એજન્સીને પૂછ્યું કે શું દિલ્હીના સીએમને સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યા છે કે આરોપી તરીકે. તેના પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે તમે હાજર થશો ત્યારે જ ખબર પડશે. કોર્ટે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તમને ED સમક્ષ હાજર થવાથી શું રોકી રહ્યું છે. તેઓ તમારી પ્રથમ હાજરી પર તમારી ધરપકડ કરશે નહીં, તેઓ તમને કારણો આપ્યા પછી જ ધરપકડ કરશે.

EDએ કેજરીવાલની અરજીને અયોગ્ય ગણાવી

બીજી તરફ, ED વતી ASG એસવી રાજુએ કેજરીવાલની અરજી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે આ અરજી સુનાવણીને લાયક નથી. અમે આ અંગે જવાબ દાખલ કરીશું. EDએ કહ્યું કે કેજરીવાલને પહેલીવાર 2 નવેમ્બર 23ના રોજ સમન્સ જારી કરવામાં આવ્યું હતું, ત્યારથી તેઓ આજ સુધી હાજર થયા નથી. ASG રાજુએ કેજરીવાલની અરજી પર નોટિસ જારી કરવાની માંગનો વિરોધ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ASG રાજુએ કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લી ધરપકડ  કે.કવિતાની થઈ છે. અત્યાર સુધીમાં કુલ 700 સમન્સ જારી કરાયા છે, હાલમાં આ કેસમાં 10થી 12 લોકો શંકાસ્પદ છે.

દિલ્હી હાઈકોર્ટે EDને નોટિસ પાઠવી

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી સાંભળવા યોગ્ય છે કે નહીં તે મુદ્દે EDને નોટિસ પાઠવીને 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. જો કે, આ કેસની આગામી સુનાવણી 22 એપ્રિલે થશે. હાલમાં કેજરીવાલ સામે EDની કાર્યવાહી પર કોઈ રક્ષણ મળ્યું નથી.

આ પણ વાંચો: કે.કવિતાએ કેજરીવાલ-સિસોદિયાને ₹100 કરોડ આપ્યા: EDનો મોટો દાવો

Back to top button