ઘેની પ્રવાહી પીવડાવી વૃદ્ધાઓની લૂંટતા હતા દંપતી, પોલીસે દબોચી 3 ગુના ઉકેલ્યા
રાજકોટ, 19 જાન્યુઆરી : રાજકોટમાં વૃદ્ધાઓને કેફી પીણું પીવડાવી અર્ધ-બેભાન કરી ફડાકા ઝીંકી સોનાના દાગીના તેમજ રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટતા દંપતીને તાલુકા પોલીસની ટીમે સકંજામાં લઈ કાર્યવાહી કરી હતી. આ બેલડીએ માધાપર ગામ પાસે રહેતા વૃદ્ધાને મોચી બજાર તથા તિલક પ્લોટમાં રહેતા વૃદ્ધાને નાગરિકબેંક ચોક તેમજ મવડીમાં રહેતા વૃદ્ધાને સરકારી દવાખાનું બતાવવાનું કહીં કેફી પીણું પીવડાવી લૂંટી લીધા હતા.
મળતી માહિતી મુજબ, જામનગર રોડ ઉપર માધાપર ગામ પાસે આંબેડકર નગર શેરી નં.01 માં રહેતાં નાથીબેન ડાયાભાઈ પરમાર (ઉ.વ.63)એ શહેરના એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણી મહિલા અને અજાણ્યાં પુરૂષનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે અને તેના પતિ ગુજરી ગયેલ છે, તે તેના નાના બહેન અમૃતબેન પરમાર સાથે રહે છે. ગઇ તા.23/12/2024 ના વિધવા સહાય અંગેનું પેન્સન બંધ થઇ ગયેલ હોય જેથી તેઓ સવારના દસેક વાગ્યે માધાપરથી રીક્ષામાં બેસી જુની કલેકટર કચેરી પર આવેલ અને ત્યાં કામ પુરૂ કરી ચાલતાં ચાલતાં મોચીબજારમાં આવેલ ચર્ચની સામે આવેલ કરિયાણાની દુકાન સામે પહોંચતા તેઓને ચકકર આવતા હનુમાનજીના મંદીર પાસે બેસી ગયેલ અને ત્યારે દિયર હીરાભાઈ સાથે ફોનમાં વાત કરતી હતી.
દરમિયાન તેમની પાસે એક ભાઈ તથા એક બહેન આવેલા અને બહેને કહેલ ડોસીમાં તમને ચકકર આવતા હોય તો અહીં બેસો અને હું તમારા દીયર હીરાભાઈને ઓળખું છું એમ કહી વાતચીત કરવા લાગેલ અને તેઓ માટે નજીકની દુકાનમાં જઇ લચ્છી લઈ આવેલ અને લચ્છી આપતા તેઓએ લચ્છી પીધેલ, લચ્છી પીધા બાદ તેઓ અર્ધ બેભાન જેવા થઈ ગયેલ હતાં. તે દરમિયાન અજાણ્યા બહેન કાનના પહેરેલ બુટીયા કાનમાંથી કાઢી લેવા માટે બળજબરી કરતા હોય જેથી તેને રોકી પ્રતિકાર કરતા અજાણ્યા બહેને ત્રણ ફડાકા મારી દીધેલ અને ત્યારબાદ તેઓ બેભાન થઇ ગયેલ હતાં.
ત્યારબાદ તેઓ ચારથી પાંચ દીવસ બેભાન અવસ્થામાં રહેલ અને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં રહેલ અને ત્યારબાદ ભાનમાં આવતાં જોયુ તો બંન્ને કાનમાં પહેરેલ સોનાના કોપ રૂ.60 હજાર, બંન્ને કાનની નખશી, બંને પગના ચાંદીના સાંકળા અને એક મોબાઇલ મળી કુલ રૂ.1,07,500 નો મુદામાલ જોવામાં આવેલ નહી.
બીજા બનાવમાં મોચીબજાર પાસે તિલક પ્લોટ શેરી નં-01માં રહેતાં જાનાબેન હરીભાઈ ખીમસુરીયા (ઉ.વ.65)એ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.13 ના બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી જયુબેલી શાક માર્કેટમાં શાક બકાલુ લેવા માટે ગયેલ અને નાગરીક બેંક ચોક સામે રોડ ઉપર શાક બકાલુ ખરીદ કરતાં હતાં ત્યારે એક અજાણ્યા બહેન આવેલા અને કહેલ કે, તુ મારી દીકરી છે, તને મારે ઠંડુ પીવડાવવું છે, તેમ કહી લચ્છી તેમજ ગુલાબ સરબતમાં કંઇક પ્રવાહી ભેળવીને પીવડાવી દેતાં તેઓ અર્ધ-બેભાન થઈ ગયેલ હતાં. ત્યારબાદ અજાણી બહેને તેઓએ કાનમાં પહેરેલ બુંટીયા બળજબરી પૂર્વક કાઢવા જતા તેમનો સામનો કરતા અજાણી બહેને ફડાકા મારવા લાગેલ અને ત્યાર બાદ તેઓ બેભાન થઈ ગયેલ હતાં.
બાદમાં તેઓ સિવિલ હોસ્પીટલમાં ઈમરજન્સી વોર્ડમાં સારવારમાં રહેલ અને ત્યારબાદ ભાનમાં આવતા જોયુ તો કાનમાં પહેરેલ સોનાના બુંટીયા, કાનની સોનાની બૂંટીઓ રોકડ રૂપીયા મળી કુલ રૂ.80500 નો મુદામાલ જોવામાં આવેલ નહીં.
ત્રીજા બનાવમાં મવડી-કણકોટ રોડ પર લાલુભાઈ પારેખ ટાઉનશીપમાં રહેતાં પુષ્પાબેન લાલજીભાઈ નકુમ (ઉ.વ.62) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.14 ના તેઓ મવડી-પાળ રોડ પર આવેલ રામધણ આશ્રમ દર્શન કરવા માટે ઘરેથી સવારના અગિયારેક વાગ્યે ચાલીને જવા નિકળેલ અને રામધણ આશ્રમ દર્શન કરી તેઓને દવાખાને જવું હોય જેથી ત્યાંથી નિકળી નજીકમાં આવેલ સાવન ચોક ખાતે બે મોટી ઉમરના બાપા બેઠા હોય તેઓને પુછેલ કે, મારે સરકારી દવાખાને જવુ છે તો અહિ નજીકમાં ક્યાં સરકારી દવાખાનુ આવેલ છે જેથી તેઓએ જણાવેલ કે, આજે દવાખાનુ બંધ હશે ત્યારે એક અજાણ્યા બહેન આવેલ અને કહેલ કે, મારે પણ દવાખાને જવુ છે તો ચાલો હું તમને સરકારી દવાખાને લઈ જાવ, તે બહેન સાથે એક અજાણ્યો પુરૂષ પણ હતો અને તે બહેન ચા ની કેબીનેથી ચા લાવી પીવડાવેલ હતી. ત્યારબાદ તેમનું માથુ થોડુ ભારે લાગવા લાગેલ અને તે બહેન પાછળ તેઓ ચાલવા લાગેલ અને ભાઈ એક મોપેડ લઈ પાછળ પાછળ આવતા હતા. તેઓને મવડી તરફ લઇ ગયેલ અને ત્યારે ચાલતા ચાલતા આ ભાઈ સોડા લાવી તેમને પીવડાવેલ હતી.
આગળ જતા માથુ વધારે ભારે લાગતા તેઓએ બેસવાનુ કહેલ હતુ અને રસ્તામાં મવડી કણકોટ રોડ ડ્રીમ સીટી ચોક નજીક અવાવારૂ જગ્યાએ રેતીના ઢગલા પાસે બેઠેલ હતા. તેઓનું માથુ ભારે લાગતુ હતુ ત્યારે તે બહેને કહેલ કે, થોડીવાર નિંદર કરી જાવ પરંતુ તેઓએ ના પાડેલ હતી. બાદમાં દાગીના વિષે પૂછી તે બહેન રેતીના ઢગલામાં આડા પડેલ અને તેઓને આરામ કરવાનું કહેતા તેને ના પાડતા ફડાકા મારવા લાગતાં તેઓ અર્ધ બેભાન જેવી થઇ જતા તે બંને સોનાની બુટી, નાકમાં પહેરેલ સોનાનો દાણો તથા પાકીટમાં પડેલ રોકડા રૂપિયા લૂંટી નાસી છૂટ્યા હતાં.
આ પણ વાંચો :- દિલ્હી ચૂંટણી : કેજરીવાલે PM મોદીને ફરી લખ્યો પત્ર, જાણો હવે શું માંગ કરી