અમદાવાદમાં ફૂટપાથ પર રહેતા દંપતીને AMCના સ્વીપર મશીને કચડ્યું, મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ
અમદાવાદ, 11 ડિસેમ્બર 2023, શહેરમાં ઓવરસ્પીડ અને ગફલત ભર્યા ડ્રાઈવિંગથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ત્યારે આજે સવારે AMCના સ્વીપર મશીનના ડ્રાઈવરે કાબુ ગુમાવતાં મશીન ફૂટપાથ પર ચડી ગયું હતું. ફૂટપાથ પર રહેતા દંપતીન કચડી નાંખતાં મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને તેના પતિને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સ્વીપર મશીનના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ફૂટપાથ પર રહેતાં દંપતીને કચડ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે વહેલી સવારે શહેરના વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે AMCનું સ્વીપર મશીન કાબૂ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું હતું. આ ઘટનામાં શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો છે. પોલીસ સૂત્ર પાસે મળતી માહિતી પ્રમાણે આ મહિલા જ્યારે ફૂટપાથ પર રોટલા બનાવતી હતી ત્યારે અચાનક AMCનું સ્વીપર મશીન તેમના પર ચડી ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી
અકસ્માત બાદ ભાગી ગયેલા સ્વીપર મશીનના ડ્રાઈવરને પકડવા માટે લોકોએ તેનો પીછો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે તેની અટકાયત કરી હતી. મૃતક મહિલાના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે લોકોના ટોળાને વિખેરીને ટ્રાફિક પુર્વવત કરાવ્યો હતો. થોડા સમય પહેલા પણ AMC સ્વીપર મશીનના કારણે માસુમ વ્યક્તિના મોત નીપજ્યા હતા. હવે પોલીસે પણ મશીનના ડ્રાઈવર સામે કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસો હાથ ધર્યાં છે.