ચાણસ્માના ધરમોડા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત
પાટણઃ રવિવારે બપોરે દોઢ વાગ્યાના આરસામાં ચાણસ્મા તાલુકાના ધરમોડા નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. ત્યારે સ્થાનિકોએ આ દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતા. આ દરમિયાન યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે પાટણ મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, રવિવારે બપોરે એકથી દોઢ વાગ્યાના સુમારે ચાણસ્મા તરફથી પુર ઝડપે આવી રહેલી મારુતિ કાર નં GJ 1 kH 2956ના ચાલકે ખોરસમ ભાટસર તરફથી આવી રહેલા હીરો હોન્ડા બાઈક નં GJ 2 DC 5797ને ધડાકા ભેર ટક્કર મારી હતી. જેમાં બાઈકચાલક પટેલ જતીનકુમાર રામજીભાઈ તેમજ તેમના પત્ની પટેલ રમીલાબેન જતીનકુમારને ગંભીર ઈજાઓ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ખાનગી વાહન મારફતે ચાણસ્મા હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પટેલ જતીનકુમાર રામજીભાઈનું ખાતે મોત થયું હતું.
તેમના પત્ની રમીલાબેનને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે પાટણ રીફર કરાયાં હતાં. જ્યાં તેમનું પણ ટૂંકી સારવાર બાદ કરૂણ મોત થયું હતું. ઘટનાની જાણ થતા ચાણસ્મા પીઆઇ આર એમ વસાવા પીએસઆઈ રમીલાબેન મકવાણા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક જતીનકુમાર પટેલનું ચાણસ્મા ખાતે પીએમ કરાવીને તેમની લાશ તેમના વાલી વારસોને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે
ચાણસ્મા ધરમોડા નજીક મારુતિ કાર અને બાઈક વચ્ચે બનેલી ઘટના અંગે ચાણસ્મા પીઆઇ આર એમ વસાવાએ જણાવ્યું હતું કે, ધરમોડા નજીક બાઇક અને મારૂતી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. તેવી જાણ થતાં જ ઘટનાસ્થળે જઈ બન્ને વાહનોનો પંચનામું કરી અને પ્રથમ તો બન્ને ઈજાગ્રસ્તોને ઓળખ થઈ શકી નહોતી, પરંતુ મૃતક જતીનકુમાર પટેલના પાકીટમાંથી મળેલા આધાર કાર્ડના આધારે તેઓ ઉંઝાના હોવાની ઓળખ થતાં પરિવારજનોને જાણ કરી ઘટનાસ્થળે બોલાવ્યાં હતાં અને લાશનું પીએમ કરાવી લાશ વાલીવારસોને સોંપવામાં આવી હતી.