ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

મોરબી: દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની મદદથી દંપતી આર્થિક રીતે પગભર બન્યું

Text To Speech

મોરબી, 04 માર્ચ: મોરબીમાં રાજ્ય સરકારના પ્રયાસો દિવ્યાંગ લગ્ન સહાય યોજના દ્વારા દિવ્યાંગ દંપતી આર્થિક રીતે સધ્ધર બન્યું છે. આ અંગે ખુદ દિવ્યાંગ દંપતીએ પોતાની વાત જણાવી છે. મોરબીના વાંકાનેર તાલુકાના કોઠી ગામના સરફુનીશાબેન માથકિયા અને તેમના પતિ દિવ્યાંગ છે. જેના કારણે તેમની આર્થિક પરિસ્થતિ પણ ખૂબ જ કફોડી બની હતી. પંરતુ સરકારની યોજના અંગે જાણ થતાં તેમના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

દિવ્યાંગ દંપતીને એક લાખ રૂપિયાની સહાય મળી

સરફુનીશા માથકીયાએ જણાવ્યું કે, અમે બંને પતિ-પત્ની દિવ્યાંગ છીએ. સમાજ સુરક્ષા કચેરી મોરબી દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. જો કે, અમે દિવ્યાંગ હોવાથી અમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. જેના કારણે અમારા દાંપત્ય જીવનમાં ઘણી વખત નિરાશાઓનો સામનો કરવો પડ્યો હતો. દિવ્યાંગ લગ્ન સહાય મળ્યા બાદ અમારી આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ અમને 1 લાખ રૂપિયાની રકમ મળી હતી. આ રકમમાંથી અમે ઇમિટેશનનો ધંધો શરૂ કર્યો છે અને આમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલાવીએ છીએ. આ રીતે આર્થિક રીતે પગભર થવા દિવ્યાંગ લગ્ન સહાય અમને ખૂબ મદદરૂપ સાબિત થઈ છે. આ ઉપરાંત, દંપતીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સરકારની મદદથી ઈમિટેશનનો વ્યવસાય શરૂ કર્યો

સરફુનીશાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પાસે રોજગારી માટે કોઈ સાધન ન હતું અને અમે બંને પતિ-પત્ની ખેત મજૂરી કરતાં હતા ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. અનેકવાર હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સરકાર દ્વારા મળેલી દિવ્યાંગ લગ્ન સહાય અમારા માટે જીવાદોરી સમાન છે. આ સહાય અમને રોજગારી પૂરી પાડી રહી છે. આ સહાયથી ચાલુ કરેલ ઇમિટેશનના વ્યવસાયમાંથી દર મહિને સારી એવી કમાણી કરી ગુજરાન ચલાવી રહ્યા છીએ.

નોંધનીય છે કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન કરે તો રૂ. 50,000 + રૂ. 50,000 લેખે રૂ. 1,00,000ની તેમજ દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો રૂ. 50,000ની સહાય ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો: વ્યવસાય શરૂ કરવા માટે પીએમ સ્વનિધિ યોજના કરશે સહાય

Back to top button