ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

દેશના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે કોંગ્રેસને કહ્યું અલવિદા, જાણો તેમની નેટવર્થ

  • સાવિત્રી જિંદાલ મોટા-મોટા અબજોપતિઓને આપી રહ્યાં છે ટક્કર

નવી દિલ્હી, 28 માર્ચ: લોકસભા ચૂંટણી 2024(Lok Sabha Election)નો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ કોંગ્રેસને એક પછી એક મોટા આંચકાઓ લાગી રહ્યા છે. જેમાં હવે દેશના સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે(Savitri Jindal) કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ ગ્રુપના અધ્યક્ષ અને હરિયાણાના ભૂતપૂર્વ પ્રધાન સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી હતી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી હતી. ઓપી જિંદાલ ગ્રુપ(Om Prakash Jindal Group)ના ચેરમેન સાવિત્રી જિંદાલ ભારતના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ છે અને રૂ. 2 લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે તેઓ દેશની સૌથી ધનિક મહિલા પણ છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને રાજીનામાની પુષ્ટિ કરી 

સાવિત્રી જિંદાલે બુધવારે ટ્વિટર (હવે X) પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા એ વાતને સમર્થન આપ્યું કે, તેઓએ તેમના પરિવારની સલાહ પર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે લખ્યું કે, “મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું.” તેમણે આગળ લખ્યું કે, “હું કોંગ્રેસ નેતૃત્વ અને મારા તમામ સાથીદારોના સમર્થન માટે હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.”

સાવિત્રી જિંદાલની રૂ. 2 લાખ કરોડથી વધુ નેટવર્થ!

ભારતની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં ટોચ પર રહેલી સાવિત્રી જિંદાલ 84 વર્ષના છે અને જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યાં છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, 28 માર્ચ, 2024 સુધીમાં, સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 29.6 બિલિયન ડૉલર છે. જે ભારતીય રૂપિયામાં લગભગ 2.47 લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ ક્રમે આવે છે, જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં 56મા સ્થાને છે. તેઓ મોટા-મોટા અબજોપતિઓને ટક્કર આપે છે.

સાવિત્રી જિંદાલની રાજકીય કારકિર્દી

ઓપી જિંદાલ ગ્રુપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલે 10 વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી. 2005માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓમ પ્રકાશ જિંદાલના મૃત્યુ પછી સાવિત્રી જિંદાલ હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભા માટે ચૂંટાયાં હતાં. તેઓ 2009માં હિસારથી ફરીથી ચૂંટાયાં હતાં અને તેમને ઓક્ટોબર 2013માં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 2006માં, તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું, પરંતુ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો.

જિંદાલ ગ્રુપનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો 

ઓપી જિંદાલ ગ્રૂપનો બિઝનેસ આજે ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે, જેમાં સ્ટીલ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને પેઇન્ટ સેક્ટરનો સમાવેશ થાય છે. JSW ગ્રુપ(Jindal South West Group) માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ મોટો બિઝનેસ ધરાવે છે. કંપની અમેરિકા, યુરોપ અને UAEથી લઈને ચિલી સુધી બિઝનેસ કરે છે. સાવિત્રી જિંદાલ પહેલા તેમના પુત્ર નવીન જિંદાલ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL)ના ચેરમેન નવીન જિંદાલ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, નવીન જિંદાલ 2004થી 2009 અને 2009થી 2014 સુધી કુરુક્ષેત્રથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે.

આ પણ જુઓ: ગુજરાતમાં વસતા અમેરિકી નાગરિકો અમદાવાદમાં પાસપોર્ટને લગતી સેવાઓ મેળવી શકશે, જાણો વિગત

Back to top button