ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશના સૌથી વૃદ્ધ સાંસદ શફીકુર્રહેમાન બર્કનું 94 વર્ષની વયે નિધન

મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ), 27 ફેબ્રુઆરી: સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહેમાન બર્કનું મંગળવારે નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. સાંસદ બર્ક છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં બગડતી તબિયતને કારણે તેમની મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બર્કના અવસાનથી સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સંસદના સૌથી વૃદ્ધ નેતા હતા

નોંધનીય છે કે સપાના સાંસદ ડૉ. શફીકુર્રહેમાન બર્ક ગૃહના સૌથી વૃદ્ધ નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ 11 જુલાઈ 1930ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં થયો હતો. તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી જીત્યા બાદ સંસદમાં પહોંચ્યા હતા. બર્ક 1996માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર પહેલીવાર લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેમજ, 2014માં BSP તરફથી લોકસભાની ચૂંટણી જીતી હતી. બર્ક ચાર વખત ધારાસભ્ય અને પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે.

અખિલેશ યાદવે શ્રદ્ધાંજલિ આપી હતી

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સાંસદને શ્રદ્ધાંજલિ આપી છે. અખિલેશ યાદવે X પર લખ્યું, “સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા, અનેક વખત સાંસદ રહી ચૂકેલા શફીકુર્રહેમાન બર્ક સાહેબના ઇન્તેકાલથી હું અત્યંત દુઃખી છું. તેમની આત્માને શાંતિ મળે. શોકગ્રસ્ત પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ મળે. “હાર્દિક શ્રદ્ધાંજલિ!”

PM મોદીએ શફીકર્રહેમાનની પ્રશંસા કરી હતી

ડૉ. શફીકુર્રહેમાન બર્કે હંમેશા વિવિધ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઘણી વખત તેમના નિવેદનો ચર્ચામાં પણ આવ્યા છે, પરંતુ દરેક મુદ્દા પર તેમનો અલગ અભિપ્રાય હતો, જેને વ્યક્ત કરવામાં તેઓ ક્યારેય ખચકાટ અનુભવતા નથી, પછી તે દેશ સંબંધિત મુદ્દાઓ હોય કે તેમની પોતાની પાર્ટી સપા સાથે સંબંધિત મુદ્દા કેમ ના હોય. આ જ કારણ છે કે વિપક્ષી પાર્ટીના સાંસદ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: પંકજ ઉધાસના નિધન પર રાજનેતા અને બોલિવૂડ સેલેબ્સે પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ

Back to top button