ડુમ્મસ બીચ પર યોજાશે દેશની પહેલી “સોકર ટુર્નામેન્ટ”, 20 રાજ્યોની ટીમો આવશે સુરત
સુરતના ડુમ્મસ દરિયા કિનારે દેશની પ્રથમ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડુમ્મસ દરિયા કિનારે અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તરની બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ ટૂંક સમયમાં અહી દેશની પ્રથમ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જેના માટેની તડામાર તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે.
સુરતમાં 27 જાન્યુઆરીએ સોકર ટુર્નામેન્ટ થશે શરુ
ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશ અને ગુજરાત-સુરત ફૂટબોલ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ નૅશનલ બીચ સૉકર ચૅમ્પિયનશિપના આયોજનની જાહેરાત કરી છે. નવા ફૉર્મેટવાળી આ સ્પર્ધા સુરતમાં 27 જાન્યુઆરીએ શરૂ થશે. 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. સુરતમાં ડુમ્મસ બીચ ખાતે ઍરીના-1 અને ઍરીના-2માં આ સ્પર્ધાના મુકાબલા યોજાશે. જેમાં 20 રાજ્યોની ટીમો વચ્ચેની આ સ્પર્ધામાં ગુજરાતના ગ્રુપમાં રાજસ્થાન, કેરલા, સર્વિસિસ અને મધ્ય પ્રદેશની ટીમ છે.
20 ટીમોના 300થી વધુ ખેલાડીઓ લેશે ભાગ
સુરતમાં યોજાનાર આ બીચ સૉકર ચૅમ્પિયનશિપમાં દેશના વિવિધ રાજ્યોની 20 ટીમોના 300થી વધુ ખેલાડીઓ બીચ પરની રેતીમાં ફૂટબોલ રમશે. તેમજ 100 થી વધુ રેફરી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અધિકારીઓ પણ તેમાં ભાગ લેશે. આ ચૅમ્પિયનશિપની પ્રેક્ટિસ માટે ડુમસ બીચ પર 4 મેદાન પણ તૈયાર કરવામાં આવશે. જેમાં 2 મેદાન પ્રેક્ટિસ માટે અને 2 ટૂર્નામેન્ટ માટે ઉપયોગમાં લેવાશે.
ગુજરાતની ટીમની પસંદગી માટેની પ્રક્રિયા 9 જાન્યુઆરીએ શરૂ થશે
મહત્વનું છે કે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને બીચ સોકર કમિટીના ઓલ ઈન્ડિયા ચેરમેન તરીકે સુરતના જીગ્નેશ પાટીલની પસંદગી કરી છે. જે બાદ બીચ સોકર ટુર્નામેન્ટના ભવ્ય આયોજનની તૈયારીઓ પણ શરૂ કરવામા આવી છે. જેમાં ગુજરાતની ટીમની પસંદગી માટેની પ્રક્રિયા 9 જાન્યુઆરીથી શરૂ થશે. તેમજ 9મી અને 10મી જાન્યુઆરીએ સુરતમાંથી પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેવપં પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે રાજ્યના વિવિધ શહેરોમાંથી આવનારા ખેલાડીઓની પસંદગી 12 અને 13 જાન્યુઆરીએ કરવામાં આવશે.
આ પણ વાંચો : કાતિલ ઠંડીથી રાજ્યભરમાં હૃદયરોગના દર્દી વધ્યા, છેલ્લા 10 દિવસમાં 1700થી વધુ કેસ નોંધાયા