બનાસકાંઠા લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી
- જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
બનાસકાંઠા 03 જૂન 2024 : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં ૦૨- બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જીનિયરિંગ કોલેજ, જગાણા ખાતે તા.૦૪ જૂન ૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્યાથી શરૂ થશે. બનાસકાંઠા લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૨૩ રાઉન્ડમાં મતગણતરી યોજાશે.જેમાં કુલ કુલ ૧૩,૬૫,૯૮૯ ઇ.વી.એમના મતો અને ૧૧, ૪૭૫ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે.
બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતગણતરી માટે કુલ ૮૬૨ થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા પોલીસતંત્ર ખડેપગે મતગણતરી કેન્દ્રમાં ફરજ બજાવશે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ