છત્તીસગઢમાં આજે મતગણતરીઃ પ્રજા શું પસંદ કરશે, પંજો કે કમળ?
રાયપુર, 3 ડિસેમ્બર 2023: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હવે તમામની નજર પરિણામો પર ટકેલી છે. ચૂંટણી પંચે મતગણતરી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 33 જિલ્લામાં મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ જિલ્લા કલેક્ટર અને એસપીને પંચ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. આજના દિવસે 1181 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે. જોવાનું એ રહેશે કે કઈ પાર્ટી સત્તામાં આવે છે અને કોનો સફાયો થાય છે.
એક્ઝિટ પોલ કોંગ્રેસની તરફેણમાં
વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના ડેટા બે દિવસ પહેલાં જ સામે આવ્યા હતા, જેમાંથી સી વોટરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ સરકાર બનાવશે અને તે 40-50 બેઠકો જીતી રહી છે. આ ઉપરાંત, ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 48-56 બેઠકો મળી રહી છે. ટૂડે ચાણક્યની વાત કરીએ તો કોંગ્રેસને 51 સીટો મળી રહી છે. એ જ રીતે CNX, જન કી બાત અને Axis My India એ પણ કહ્યું છે કે સીટો 40થી 53 વચ્ચે અંદાજો લગાવ્યો છે.
સટ્ટાબજારે કોંગ્રેસની જીત નક્કી ગણાવી
સટ્ટાબજારના અંદાજ પ્રમાણે, વર્તમાન મૂલ્યાંકન મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસને 52થી 55 બેઠક અને ભાજપને 35થી 38 બેઠક મળવાની આગાહી કરી હતી. મહત્ત્વનું છે કે, છત્તીસગઢમાં જે પણ પાર્ટી 90માંથી 45થી વધુ સીટો મેળવે છે, તેને સત્તા મળશે. આવી સ્થિતિમાં ફલોદી સટ્ટાબજારે કોંગ્રેસને 52થી 55 બેઠકો જીતવાની આગાહી કરી છે, જેના કારણે તેની સત્તામાં વાપસી થવાનું અનુમાન લગાવી શકાય છે.
આ વર્ષે રાજ્યમાં સરેરાશ 76% મતદાન થયું છે.
છત્તીસગઢમાં આ વખતે 76 ટકા થયું છે. જ્યારે 2018માં 90 બેઠક પર 75.17% મતદાન થયું હતું. આ વખતે સૌથી ઓછું મતદાન રાયપુરમાં 58.83% અને સૌથી વધુ 81.46% મતદાન બાલોદમાં થયું હતું. જો કે, બિન્દ્રાનવાગઢના 9 નક્સલ પ્રભાવિત બૂથ પર 91% મતદાન થયું હતું.
આ વખતે પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું
2023 વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યની 90 વિધાનસભા મતવિસ્તારોમાંથી 50માં પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું. રાજ્યમાં મતદાનના બે તબક્કામાં કુલ 1,55,61,460 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 77,48,612 પુરૂષ અને 78,12,631 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ વર્ષે તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર કુલ મહિલા મતદારોની સંખ્યા પણ મતદાન કરનારા પુરૂષ મતદારોની કુલ સંખ્યા કરતાં વધુ છે.
રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા અનેક વચનો આપ્યાં
- કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાને રીઝવવા ઘણા મોટા વાયદા કર્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું મફત શિક્ષણ, 200 યુનિટ સુધી મફત વીજળી, 7.5 લાખ ગરીબોને મકાન આપવા, સ્વાસ્થય યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ખાસ કરીને તેના ઢંઢેરામાં સરકારની વાપસી બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની વાત કરી છે. આ ઉપરાંત કોંગેસ ફરીવાર સત્તામાં આવશે તો શહેરી વિસ્તારમાં અંતિમ સંસ્કારના લાકડા માટે વ્યવસ્થા કરશે. તેમજ યુવાનોને બિઝનેસ માટે લોન પર 40% સબસિડી વધારીને 50% કરાશે.
- ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં આગામી પાંચ વર્ષમાં છત્તીસગઢને વિકસિત રાજ્ય બનાવવાનો દાવો કર્યો છે. આ સંકલ્પ યાત્રામાં 2 વર્ષમાં એક લાખ નવી નોકરીઓનું સર્જન, પરિણીત મહિલાને દર વર્ષે 12,000 રૂ.ની સહાય, 18 લાખ નવા મકાનો, ખેડૂતોને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવાના વાયદા કરવામાં આવ્યા છે. જો ભાજપ સત્તામાં આવશે તો 10 લાખ સુધીનો સ્વાસ્થય વીમો, યુવાનોને 50 ટકા સબસિડી સાથે વ્યાજમુક્ત લોન વગેરેની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કોલેજમાં આવવા-જવા માટે માસિક મુસાફરી ભથ્થાનું પણ વચન આપ્યું છે.
2018માં વિધાનસભા ચૂંટણી કોંંગ્રેસ જીતી હતી
2018ની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે કુલ 90 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 2018માં આ બેઠક પર 75.17% મતદાન થયું હતું. કોંગ્રેસે શાસક ભાજપની 15 બેઠકો સામે 68 બેઠકો જીતીને જંગી વિજય મેળવ્યો હતો અને પરિણામે વિરોધ પક્ષ તરીકે 15 વર્ષ પછી સરકાર બનાવી હતી. એ સમયના મુખ્યમંત્રી રમણ સિંહે 11 ડિસેમ્બરે મતગણતરી અને પરિણામોની જાહેરાતના દિવસે ચૂંટણી હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. પટણાથી વિધાનસભા માટે ચૂંટાયેલા કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે 17 ડિસેમ્બરે રાજ્યના મુખ્ય મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
રાજ્યમાં મતગણતરી શરૂ થવાની તૈયારી
છત્તીસગઢમાં મતગણતરી થોડી મિનિટમાં શરૂ થઈ જશે. ઉમેદવારોની સાથોસાથ જનતા પણ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહી છે. આજે 3 વાગ્યા સુધી તમામની આતુરતાનો અંત આવી જશે. જો કે, એક્ઝિટ પોલ અને સટ્ટાબજારના અનુમાન પ્રમાણે કોંગ્રેસનો પલડું ભારી દેખાઈ રહ્યું છે. પરંતુ એ તો જનતાના હાથમાં છે કે તેમણે કોને પોતાની સરકાર તરીકે ચૂંટી છે.
આ પણ વાંચો: રાજસ્થાન: BSP પાર્ટીએ સમર્થન આપવા માટે શરત રાખી, કોને ટેકો જાહેર કરશે ?