નકલી દવાઓ પર રોક લાગશે, ગુજરાતની ફાર્મા કંપનીઓને આ વાતનો અમલ કરવો પડશે
- ગુજરાતની જુદી જુદી ફાર્મા કંપનીઓ દ્વારા અમલ માટે પગલાં લેવાયાં
- ફાર્માસ્યૂટિકલ્સ કંપનીઓએ QR કોડ પ્રસિદ્ધ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા
- દેશની ટોપ 300 દવા બ્રાન્ડ ઉપર QR કોડ લગાવવામાં આવશે
નકલી દવાઓ પર રોક લાગશે. જેમાં ગુજરાતની ફાર્મા કંપનીઓને અમલ કરવો પડશે. દેશમાં બનાવટી દવાઓના વેચાણ ઉપર બ્રેક મારવા હવે QR કોડ લગાવવો પડશે. પ્રથમ તબક્કામાં ટોચની 300 દવા બ્રાન્ડ ઉપર અમલ કરાશે. તથા ગત નવેમ્બરમાં સરકારે 1લી ઓગસ્ટથી અમલની જાહેરાત કરી હતી. ગુજરાતની જુદી જુદી ફાર્મા કંપનીઓ દ્વારા અમલ માટે પગલાં લેવાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ, જાણો કયા પડશે ધોધમાર વરસાદ
ફાર્માસ્યૂટિકલ્સ કંપનીઓએ QR કોડ પ્રસિદ્ધ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા
દેશમાં બનાવટી દવાઓના વેચાણને અટકાવવા માટે કેન્દ્ર સરકારે કાર્યવાહી હાથ ધરી છે. જે મુજબ આગામી તા.1લી ઓગસ્ટ સુધીમાં દવા ઉત્પાદક કંપનીઓએ દવા ઉપર QR કોડ પ્રસિધ્ધ કરવા પડશે. ગત નવેમ્બર માસમાં કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હતી. જોકે હવે સમય મર્યાદાપૂર્ણ થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની ઘણી ફાર્માસ્યૂટિકલ્સ કંપનીઓએ QR કોડ પ્રસિદ્ધ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
દેશની ટોપ 300 દવા બ્રાન્ડ ઉપર QR કોડ લગાવવામાં આવશે
ગત નવેમ્બર માસમાંઆ અભિયાનના પ્રથમ તબક્કામાં દેશની ટોપ 300 દવા બ્રાન્ડ ઉપર QR કોડ ( ક્વીક રિસ્પોન્સ કોડ) લગાવવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. ટોપ 300 દવા બ્રાન્ડમાં અગ્રણી ફાર્મા કંપનીઓ દ્વારા ઉત્પાદિત દવાઓનો સમાવેશ થાય છે. બારકોડ અને ક્યુઆર કોડ દવાઓ ઉપર લગાવવા માટે દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં 2 ટકાની આસપાસ વધારો થાય તેવી શક્યતાઓ છે.
કેટલીક કંપનીઓએ તેમના હાર્ડવેર અને સોફ્ટવેરમાં પણ ફેરફાર કર્યા
કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા રચાયેલી સંસ્થા ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન GS ઇન્ડિયા અને એસોશિએસન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI)નું માનવું છેકે, બાર કોડ અને ક્યુઆર કોડના અમલથી દેશમાં ગુણવત્તાવાળી દવાઓ નાગરિકોને ઉપલબ્ધ થશે. વિદેશી બજાર માટે પણ આ મહત્વની બાબત છે. ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગે ક્યુઆર કોડના અમલ સંદર્ભે તૈયારીઓ અગાઉથી જ કરી છે. વિવિધ કંપનીઓએ કોન્ટક્ટ વર્ક હેઠળ થતા ઉત્પાદનો ઉપર પણ ટેકનોલોજીની મદદ આપવાનું શરૂ કર્યું છે. સમય મર્યાદા સાચવવા માટે કેટલીક કંપનીઓએ તેમના હાર્ડવેર અને સોફ્ટવેરમાં પણ ફેરફાર કર્યા છે. મોટી કંપનીઓ માટે કામ કરતી એસએમઇ, કોન્ટ્રાક્ટ વર્કમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
મેટ્કિસ બારકોડનો એક પ્રકાર જ ક્યુઆર કોડ હોય છે
QR કોડથી દવાઓની તમામ માહિતી ગ્રાહકોને મળી રહેશે. જો સપ્લાય ચેનમાં સમાધાન કરવામાં આવ્યું હોય તો દવાઓ પાછી ખેંચી શકાશે. સરકારનો હેતુ QR કોડના અમલ કરાવવા માટે એ છેકે નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી શકે. ક્યુઆર કોડ એક રીતે તો બાર કોડ જેવા હોય છે, બારકોડ તો મોટાભાગની ચીજ વસ્તુઓ ઉપર હોય છે, પણ ક્યુઆર કોડમાં વધુ ડેટા હોય છે અને પરંપરાગત બારકોડ કરતાં વધુ ફાયદાકારક હોય છે. મોબાઇલ માર્કેટિંગના સમયમાં ક્યુઆર કોડ વધુ પ્રચલિત છે. જેમાં માહિતી અસરકારક હોય છે અને મોબાઇલ વેબસાઇટ અને એપની સાથે લિંક પણ થઇ શકે છે. મેટ્કિસ બારકોડનો એક પ્રકાર જ ક્યુઆર કોડ હોય છે, જે સહેલાઇથી વાંચી શકાય છે, તેની અંદરની માહિતીનો ઉપયોગ વિવિધ અભિયાનમાં થાય છે.