કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સૌરાષ્ટ્રમાંથી ફરી નકલી ચલણી નોટનું કૌભાંડ ઝડપાયું, સાળા – બનેવી સહિત 5 ની ધરપકડ

Text To Speech

સૌરાષ્ટ્રમાંથી ફરી એકવાર નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારની શ્રીરામ સોસાયટીના મકાનમાંથી દેશના અર્થતંત્રને ખોખલુ કરતી જાલીનોટ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે છાપો પાડી રૂા.1.39 કરોડની જાલીનોટના જથ્થા સાથે સાળા-બનેવી સહીત પાંચ શખ્સને ઝડપી પાડી એક મોટું પ્રિન્ટીંગ મશીન કબ્જે કર્યું હતું. જ્યારે પોલીસ તપાસ દરમ્યાન ભચાઉનો શખ્સ જાલીનોટનું છાપકામ કરવા ભાવનગર આવતો હોવાનું જ્યારે અન્ય નવાપરા અને ધોધાના બે શખ્સના નામ ખુલવા પામ્યા હતા. જાલીનોટ કૌભાંડમાં ભાવનગરમાંથી વધુ એકવાર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો

મળતી માહિતી મુજબ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ ભરવાડ, સ્ટાફના સોહીલભાઇ ચોકીયા, પી.ડી.ગોહીલ સહીતના સ્ટાફે ઓપરેશન હાથ ધરી શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા હીરેન બારોટના કબજા ભોગવટાના મકાનમાં છાપો પાડી તલાશી લેતા જાલી નોટ કૌભાંડ બેનકાબ થવા પામ્યું હતું અને પોલીસની તલાશી દરમ્યાન રૂા.2000 હજારની કુલ 1.39 કરોડની જાલીનોટ મળી આવતા બારમત કરી હિરેન બારોટ, તેના બનેવી પંકજ બારોટ, જાલીનોટ કૌભાંડમાં અગાઉ સંડોવાયેલ ગુંદી ગામનો હાર્દિક, થરાનો મેરાજ કુરશીભાઇ દેહાઇ, ધોધાના સાણોદરનો અયુબ ઉસ્માનભાઇ બિલખીયા મળી આવતા તમામને રંગેહાથ ઝડી પાડી મકાનમાંથી જાલીનોટ છાપકામના ઉપયોગમાં લેવાતું એક મોટું પ્રીન્ટીંગ મશીન કબ્જે લીધું હતું.

ભચાઉનો શખ્સ ભાવનગર નોટ છાપવા આવતો હતો

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે જાલીનોટ સાથે ઝડપાયેલ શખ્સોની પુછપરછ કરતા ભચાઉનો સુરેશ નામનો શખ્સ જાલીનોટનું છાપકામ કરવા માટે ભાવનગર આવતો હોવાનું અને અન્ય ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતો જાવેદ સુરમાળી અને ધોધાનો રફીક કુરેશીના નામ ખુલવા પામ્યા હતા. જાલીનોટનું છાપકામ કરી દિવાળીના તહેવારોમાં શખ્સ ફરતી કરવા માંગતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. વધુ એકવાર જાલીનોટ કૌભાંડમાં ભાવનગરનું નામ આવતા અને મસમોટો જાલીનોટોનો જથ્થો બરામત થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉક્ત બનાવને લઇ પોલીસે મોડી રાત્રે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું ભરતનગર પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતું.

Back to top button