નવી દિલ્હી, 18 નવેમ્બર, 2024: શું એક સમયનો વિલન કોવિડ-19 વાયરસ હવે કોઈ જીવલેણ બીમારી સામે વરદાન સાબિત થઈ શકે છે? જે વાયરસને કારણે આખી દુનિયામાં લૉકડાઉન થઈ ગયું હતું એ વાયરસ કેન્સરના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે!
એક નવા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, કોવિડના વાયરસ કેન્સરના જીવાણુઓ સામે લડે છે અને કેન્સરના જીવાણુઓને નષ્ટ કરી શકે છે. જો આ સાચું હોય તો એક સમયે દુનિયામાં હાહાકાર મચાવનાર વાયરસ કેન્સરના દર્દીઓ માટે જીવતદાન બની શકે તેમ છે.
આ દિશામાં નોર્થવેસ્ટર્ન મેડિસિન કેનિંગ થોરકિક ઈન્સ્ટિટ્યૂટ ખાતે સંશોધન કરવામાં આવ્યું છે અને તેનાં પરિણામો આ મહિને જર્નલ ઑફ ક્લિનિકલ ઈન્વેસ્ટિગેશન સામયિકમાં પ્રકાશિત થશે. વાસ્તવમાં, કોવિડ-19ની મહામારી દરમિયાન સારવારમાં રોકાયેલા કેટલાક ડૉક્ટરોના ધ્યાનમાં આવ્યું હતું કે, આ વાયરસને કારણે કેન્સરના દર્દીઓમાં કેન્સરના જીવાણુઓ નષ્ટ પામી રહ્યાં છે અથવા એ જીવાણુઓની વૃદ્ધિ સાવ ધીમી પડી ગઈ છે.
આ અંગે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના થોરકિક સર્જરી વિભાગના વડા ડૉ. અંકિત ભારતે જણાવ્યું કે, આ સાચું છે કે નહીં એ અમે જાણતા નહોતા કેમ કે આ દર્દીઓ ઘણા બીમાર હતા. શું આવું એટલા માટે થઈ રહ્યું હતું કે, કોવિડ વાયરસને કારણે મનુષ્યમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો હતો જેને કારણે કેન્સરના સેલ નષ્ટ પામી રહ્યા હોય એવું બને. અમને ડૉક્ટરોને આ પ્રશ્ન થયો અને તેના આધારે સંશોધન કરવામાં આવી રહ્યું છે. જોકે, એક વાત નિશ્ચિત છે કે, કોવિડ-19 અને કેન્સરના જીવાણુઓ વચ્ચે કોઈક તો એવી બાબત છે જે ભવિષ્યમાં કેન્સરની સારવારમાં ઉપયોગી થઈ શકે તેમ છે. જો આવી કોઈ સંભાવના હશે તો વધુ સંશોધન દ્વારા તેનાં પરિણામ જાણવા પ્રયાસ થશે અને તે માનવજીવન માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
ડૉ. ભારત અને તેમની ટીમને જાણવા મળ્યું કે, સાર્સ (SARS-CoV-2)ની હાજરીમાં કેન્સરના સેલ અલગ રીતે વર્તણૂક કરતા હતા. સામાન્ય રીતે કેન્સરના જીવાણુઓ સામે કોઈ પડકાર આવે ત્યારે તે સુરક્ષાત્મક સ્થિતિમાં આવી જાય છે અને ગાંઠને સંતાડી દે છે, પરંતુ કોવિડ વાયરસની હાજરીમાં અવળી સ્થિતિ થતી હતી. કેન્સરના જીવાણુઓ વાયરસને આકર્ષતા હતા, અને આ બાબત જ સંભવતઃ ભવિષ્યમાં કેન્સરનો સામનો કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે, કોવિડ-19માં રહેલા RNA વિશિષ્ટ રક્ષાત્મક સેલ બનાવતા હતે જે કેન્સર સામે લડી શકે. ત્યારબાદ એ સેલ આગળ વધતા હતા અને ગાંઠની અંદર રહેલા કેન્સરના જીવાણુઓ પર હુમલો કરતા હતા. આ સંશોધન આશ્ચર્યજનક છે અને સંભવતઃ રોગપ્રતિકારક સેલની રચના કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ અભ્યાસ માનવિય ટિસ્યુ તથા પ્રાણીના મોડેલનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યો હતો. તેનાં જે તારણો મળ્યાં છે તે અસાધારણ અને અવિશ્વસનીય છે તેમ ડૉ. ભારતે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ અમેરિકામાં ઝડપાયો, ક્યારે લવાશે ભારત?