અમદાવાદમાં સત્તાધિશોનો બેદરકારી ભર્યો નિર્ણય, પ્રજા જોખમમાં!
અમદાવાદના ખામીયુક્ત 16 બ્રિજ પર તંત્ર દ્વારા બેરિયર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તે નિર્ણયનો અમલ કરવામાં આવ્યો નથી તે વાત નકારી શકાય તેમ નથી. આ નિર્ણય લઈને જનતાના પૈસાનો બગાડ કર્યો છે. હવે તંત્ર દ્વારા પૈસા ખર્ચીને લાવવામાં આવેલા બેરિયરને નહીં લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ તમામ બેરિયર બ્રિજની સાઈડમાં પડી રહ્યાં છે.
જો કે, હાલ અમદાવાદનો વ્યસ્ત એવો સુભાષબ્રિજ બેસી જતા તેને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ આ બ્રિજનું વિવિધ ટીમો દ્વારા ઈન્સપેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે તેનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ બ્રિજને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના ખામીગ્રસ્ત 16 બ્રિજ પર બેરિયર લગાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ નિર્ણય સામે મહાનગર પાલિકાના સત્તાધિશોએ યુ ટર્ન લઈ લીધો છે.
અમદાવાદમાં ગાંધી બ્રિજ પર ભારે વાહનના પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવી દેવાયા છે. બ્રિજના નિર્ણયમાં તંત્રની બેદરકારીથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. વાહન ચાલકોનું કહેવું છે કે, બ્રિજ પર બોર્ડ મારીને સામાન મુકી દેવાયો છે. તંત્રએ લોકોના પૈસાનો બગાડ કર્યો છે. તંત્રની બેદરકારીને લીધે અનેકવાર પ્રજા ભોગ બને તે નવાઈ નહીં. બ્રિજ પર બેરીયર લગાવવાના બેદરકારીના નિર્ણય બાદ યુ ટર્નથી પ્રજાના પૈસાનો બગાડ થયો છે.












