ચીનમાં કોરોનાનો ઑમિક્રૉન વેરિએન્ટ તબાહી મચાવી રહ્યો છે. પરંતુ, હવે અહીં, કોરોનાની સુનામી આવવાની આશંકા છે. ચીનની ફૂડાન યુનિવર્સિટિના અભ્યાસમાં અનુમાન લગાવાયું છે કે, જો કોવિડ પ્રતિબંધોમાં ઢીલ અપાશે તો જુલાઈ સુધી 16 લાખ લોકોના મોત થઈ શકે છે. ફૂડાન યુનિવર્સિટિના અભ્યાસમાં પણ એવા સમયે આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે સમયે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ ઝીરો-કોવિડ પોલિસીની બદલે સંક્રમણ રોકવા માટે બીજો કોઈ ઉપાય અપનાવવાની સલાહ આપી છે.
ચીનમાં ઑમિક્રૉનનો વધુ ખતરો
ડિસેમ્બર 2019માં ચીનના વુહાનમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. 2020માં જ્યારે વિશ્વભરમાં કોરોના ફેલાયેલો હતો, ત્યારે ચીને તેને પોતાના દેશમાં કાબૂ કરવાનો દાવો કર્યો હતો. 2021માં પણ જ્યારે ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો હતો, ત્યારે ચીને 14 દિવસમાં જ તેના પર કાબૂ મેળવ્યાનો દાવો કર્યો હતો. પરંતુ હવે, ઑમિક્રૉન વેરિએન્ટે તેની હાલત ખરાબ કરી દીધી છે. ડેલ્ટાની સરખામણીએ ઑમિક્રૉન અનેક ગણો વધુ સંક્રમક છે અને આ જ કારણ છે કે, તેને કાબૂ કરવામાં સ્વાસ્થ્ય અધિકારીઓને પરસેવા વછૂટી રહ્યા છે.
શાંઘાઈમાં 6 સપ્તાહથી લૉકડાઉન
ચીનમાં સૌથી વધુ ખરાબ હાલત શાંઘાઈમાં છે. જ્યાં, છ અઠવાડિયાથી કડક લૉકડાઉન આપવામાં આવેલું છે. 25 કરોડથી પણ વધુ લોકો લૉકડાઉનમાં છે. ત્યારે, આખા ચીનમાં 40 કરોડથી પણ વધુ લોકો એવા છે કે, જે કોઈના કોઈ પ્રતિબંધમાંથી પસાર થઈ રહ્યા છે અને જીવન જીવી રહ્યા છે.