ગુજરાત

રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો; અ’વાદના NID કેમ્પસમાં 24 વિદ્યાર્થીઓ સંક્રમિત

Text To Speech

રાજયમાં ફરી એકવાર કોરોના વકર્યો છે. અમદાવાદના પાલડી ખાતે આવેલા NID કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કેસ આવતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ કેસ નોંધાયા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. જેમાં 6 મેના રોજ પહેલો કેસ NID કેમ્પસમાં નોંધાયો હતો, આ બાદ શનિવારે 7 કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે 16 કેસ નોંધાયા હતા

તમામ વિદ્યાર્થીઓ આઈસોલેટ
કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. જે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના અને કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ છે. હાલમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની વિદેશની અથવા કોઈપણ અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે
રાજ્યમાં જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવી હતી. આ દરમિયાન અમદાવાદમાં 20મી જાન્યુઆરીના રોજ સૌથી વધુ 9,958 કેસ નોંધાયા હતા. જોકે ત્યારબાદ ક્રમશઃ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. ત્યારે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારનાં રોજ અમદાવાદમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં હાલ 125 એક્ટિવ કેસ, વેન્ટિલેટર પર એક પણ દર્દી નહીં
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 443ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 401 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં રવિવાર સુધીમાં 125 એક્ટિવ કેસ હતા, એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી અને તમામ 125 દર્દીઓની હાલત સ્થિર છે.

21 એપ્રિલે એક દર્દીનું મોત થયું હતું
6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત રહ્યું હતું. 5 મેએ 24 દિવસ બાદ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યનો રિક્વરી રેટ 99.10 ટકાએ સ્થિર રહ્યો છે.

Back to top button