કેરળમાં કોરોનાનો હાહાકાર, કર્ણાટકમાં પણ એલર્ટ જાહેર
- કોરોનાના નવા સબવેરિયન્ટનો ફરી ભારતથી સિંગાપોર સુધી પગપેસારો
- 24 કલાકમાં ભારતમાં 5ના મૃત્યુ, 335 નવા કોવિડ કેસ નોંઘાયા
કેરળ, 18 ડિસેમ્બર: કોરોના વાયરસે ફરી એકવાર ભારતથી લઈને સિંગાપોર સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 335 નવા કેસ નોંધાયા છે. કોવિડના સંક્રમણના કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં, ચાર દર્દીઓતો કેરળના જ હતા, જ્યારે એક ઉત્તર પ્રદેશનો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે ભારતમાં 335 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે પછી સક્રિય કેસ વધીને 1,828 થઈ ગયા છે. આ દરમિયાન કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1ની પણ પુષ્ટિ થઈ છે.
અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોના મૃત્યુ
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ નોંધાયા છે. તે જ સમયે વધુ 5 દર્દીઓના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 316 થઈ ગયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશનો રિકવરી રેટ 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
સિંગાપોરથી પરત ફરતી વ્યક્તિઓમાં જોવા મળી રહ્યો છે સબ-વેરિઅન્ટ
ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે. 8 ડિસેમ્બરે, કેરળમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1નો કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 79 વર્ષીય મહિલાના RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. અગાઉ, સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિયન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.
કર્ણાટક સરકારની વૃદ્ધોને સલાહ
કોરોનાના વધતા કેસ બાદ કર્ણાટક સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેરળ અને અન્ય રાજ્યોમાં કોવિડના કેસમાં થયેલા વધારાને પગલે કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે સોમવારે વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ પાસે સેપ્ટિક ટાંકી સાફ કરવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકની ધરપકડ