કોરોના વાયરસે ફરી એકવાર વિશ્વના અનેક દેશોમાં હડકંપ મચાવવાનું શરૂ કરી દીધું છે. પણ, ભારત હજુ તેની ઝપેટમાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ નહિવત અસર જોવા મળે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા તાકીદે પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે શનિવારે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે બીએફ.૭ વેરિઅન્ટથી ડરવાની, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, પરંતુ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોના પાલન સહિતની તકેદારી રાખવી જોઈએ તેમ નિષ્ણાતોએ કહ્યું હતું.
શું કહે છે એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા ?
કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં કોરોનાના ગંભીર કેસ વધવા અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાઓ નથી, કારણ કે ભારતીયોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ કહ્યું કે ભારતમાં લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
આ દેશોમાંથી આવતા પ્રવાસીઓને RTPCR ફરજિયાત
દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારા પ્રવાસીઓમાં કોરોના વાઈરસની તપાસ કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરાયું છે. આ દેશોના પ્રવાસીઓમાં કોરોના વાઈરસના સંક્રમણના લક્ષણો જણાતા અથવા તપાસમાં તેમના સંક્રમણની પુષ્ટી થતાં અથવા તેમના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને સીધા જ ક્વોરન્ટાઈન કરાશે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ એક ફોર્મ ભરીને પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી પણ આપવી પડશે.