ગુજરાતમાં કોરોના હવે ભૂતકાળ બન્યો પણ બંધ થયેલ ઉદ્યોગોનો આંકડો જાણી રહેશો દંગ
ગુજરાત અને સમગ્ર દેશના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર નાના ઉદ્યોગો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો ક્યાંક માગની સમસ્યા સામે આ ઉદ્યોગો ઝઝૂમી રહ્યા છે. પાછલાં અમુક વર્ષોથી ગુજરાતની જીવાદોરી ગણાતા નાના ઉદ્યોગો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યા હોવાનું નિષ્ણાતો જણાવે છે. ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષમાં ૧૪૩૨ જેટલા માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ)ને તાળા મારવા પડયા છે. આ પૈકી ૮૭૩ નાના-મોટા ઉદ્યોગો માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જ બંધ થયાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: સાઇબર ગઠિયા સક્રિય, વીજ બિલ બાકી છે કહી ગ્રાહકો સાથે ઠગાઇ કરી
ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોનું પ્રમાણ સિક્કીમ, નાગાલેન્ડથી ઓછું
ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોનું પ્રમાણ આસામ, ઝારખંડ, નાગાલેન્ડ, મણીપુર, લક્ષદ્વિપ, જમ્મુ કાશ્મીર, પુડ્ડુચેરી જેવા નાના રાજ્યોની સરખામણીએ પણ ઓછું છે. એપ્રિલ ૨૦૨૨થી ૬ ફેબુ્રઆરી ૨૦૨૩ સુધી ગુજરાતમાં મહિલાની માલિકી હેઠળની એમએસએમઇનું પ્રમાણ ૧૫.૩૮ ટકા હતું. બીજી તરફ પુડુચેરીમાં ૨૯.૮૯ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૨૪.૦૪ ટકા, આંદમાન નિકોબારમા ૨૫.૩૯ ટકા, તેલંગાણામાં ૨૩.૩૪ ટકા, સિક્કીમમાં ૩૪.૦૮ ટકા, મિઝોરમમાં ૫૪.૩૯ ટકા, નાગાલેન્ડમાં ૪૨.૩૦ ટકા પ્રમાણ મહિલા ઉદ્યોગ સાહસિકોનું નોંધાયું છે.
આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારીના ત્યાંથી રૂ.90 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા
ગુજરાત ચોથા અને રાજસ્થાન ૮૩૯ સાથે પાંચમાં સ્થાને
લોકસભાના બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ૧ જુલાઇ ૨૦૨૦થી ૩ ફેબુ્રઆરી ૨૦૨૩ દરમિયાન ગુજરાતમાંથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૭, ૨૦૨૧-૨૨માં ૪૯૨ અને ૨૦૨૨-૨૩માં ૮૭૩ નાના-મોટા ઉદ્યોગોને તાળા મારવા પડયા હતા. ૨૦૨૨-૨૩માં સૌથી વધુ નાના-મોટા ઉદ્યોગોને તાળા લાગ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૨૬૯૭ સાથે મોખરે, તામિલનાડુ ૧૪૮૭ સાથે બીજા, ઉત્તર પ્રદેશ ૯૧૪ સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને રાજસ્થાન ૮૩૯ સાથે પાંચમાં સ્થાને છે.
નાના-મોટા ઉદ્યોગને તાળા લાગ્યાનું સામે આવ્યું
સમગ્ર દેશમાંથી ૨૦૨૦-૨૧માં ૧૭૫, ૨૦૨૧-૨૨માં ૬૨૨૨ અને ૨૦૨૨-૨૩માં ૧૦૭૬૭ નાના-મોટા ઉદ્યોગને તાળા લાગ્યાનું સામે આવ્યું છે.આ પ્રમાણે જોવામાં આવે તો ગુજરાતમાં ૨૦૧૯-૨૦ કરતાં ૨૦૨૨-૨૩માં ઉદ્યોગો બંધ પડવામાં ૧૩ ગણો વધારો થયો છે. આ સિવાય રજૂ કરાયેલી અન્ય વિગતો અનુસાર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ ગુજરાતના ઉદ્યોગોને ૨૦૧૯-૨૦માં ૩૮૫૯.૪૯ કરોડ, ૨૦૨૦-૨૧માં ૨૯૫૯.૫૫ કરોડ અને ૨૦૨૧-૨૨માં ૪૮૩૫.૬૯ કરોડની રકમ ફાળવાઇ છે.