ગુજરાતમાં કોરોનાકાળનું કૌતુક! ચાર ગામના પરિવાર 1613 અને લગ્નોની નોંધણી 2950!

રાજકોટ, 25 માર્ચ, 2025: ગુજરાતમાં કોરોનાકાળનું કૌતુક! Corona era fun in Gujarat! કદી વિચાર્યું ન હોય એવું એક અસાધારણ કૌભાંડ ગુજરાતમાં બહાર આવ્યું છે. એક મીડિયા અહેવાલ અનુસાર કોરાનાકાળમાં સૌરાષ્ટ્રના ચાર ગામોમાં અસાધારણપણે મોટી સંખ્યામાં લગ્નોની નોંધણી થઈ છે, અને તેમાં પણ વિચિત્રતા એ છે કે, આ ગામોની કુલ વસ્તી નથી તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં લગ્નોની નોંધણી થઈ છે!
આ અહેવાલ અનુસાર, વર્ષ 2020, 2021 અને 2022ના કોરોનાના સમયમાં ઘણોખરો સમય લૉકડાઉન હતું અને લૉકડાઉન ખૂલ્યા પછી પણ મોટેભાગે લોકોની અવરજવર ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણ હતાં, જાહેરમાં મેદની એકત્રિત કરવા ઉપર નિયંત્રણ હતાં, કદાચ કોઈ લગ્ન સમારંભ હોય તો પણ તેની સંખ્યા અતિશય મર્યાદિત કરી દેવામાં આવી હતી અને ત્યારે એવા સમયે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના Marriage Registration Scam ચાર ગામમાં 2950 રજીસ્ટર મેરેજ નોંધાયા હતા તેમ આ મીડિયા અહેવાલ કહે છે. વળી વિચિત્રતા એ વાતની છે કે, આ લગ્નોની સંખ્યા ચારેય ગામમાં રહેતા કુલ પરિવારની સંખ્યા કરતાં બમણી થવા જાય છે. એથી આગળ વધીને આ અહેવાલ તો નોંધે છે કે, આ ચાર ગામમાં માત્ર બગસરા તાલુકા કે અમરેલી જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ 33 જિલ્લાના લોકોએ અહીં લગ્નોની નોંધણી કરાવી હતી.
કેવી રીતે કૌભાંડની આશંકા ઊભી થઈ?
અહેવાલ મુજબ કોઈ જાગ્રત નાગરિકે રાઈટ ટુ ઈન્ફર્મેશન (RTI) હેઠળ મેળવેલી માહિતી અનુસાર ત્રણ વર્ષમાં સૌથી વધુ લગ્ન હામાપર ખાતે 1341, ત્યારબાદ જામકામાં 944, તથા મુંજિયાસરમાં 380 અને લૂંધિયામાં 258 લગ્નની નોંધણી થઈ હોવાનું કહેવાય છે. મજાની વાત એ છે કે, આ ચાર ગામમાં કુલ 1613 પરિવાર વસવાટ કરે છે અને કુલ વસતી 8223 છે. આમ 1613 પરિવારની સામે 2950 લગ્નની નોંધણી થઈ છે જે વાત દેખીતી રીતે આંશંકા ઊભી કરે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આરટીઆઈ કરનાર અરજદારે સવાલમાં એવું પણ પૂછ્યું હતું કે આ સમયગાળામાં આ બધાં ગામોમાં કોઈ સમુહલગ્નનાં આયોજન થયાં હતાં કે કેમ? આ પ્રશ્નનો પણ એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ સમયમાં કોઈ સમુહલગ્ન થયાં નથી. દેખીતી રીતે આ જે ગામોની વાત થઈ રહી છે ત્યાં હોટેલો, ડેસ્ટીનેશન વેડિંગ થાય એવા કોઈ રિસોર્ટ કે અન્ય વ્યવસ્થા ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લગ્નો કેવી રીતે નોંધાઈ ગયા તે એક મોટો સવાલ છે.
મીડિયા અહેવાલમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે લોકોએ ગામના તલાટી સાથે ગોઠવણ કરી રજીસ્ટર મેરેજ કરી લીધા હશે. પાસપોર્ટ, અન્ય કાયદાકીય જરૂરીયાત માટે રજીસ્ટર લગ્ન કરાવવામાં આવતા હોય છે. તલાટી સરળતાથી લગ્ન નોંધણી કરાવી આપતા હોય એવી શક્યતાએ આ ગાળામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ લગ્ન અહીં થયા હોય એવી શક્યતા નકારી શકાય નહીં. લગ્નની નોંધણી માટે વકીલ, સાક્ષીઓ, ગોરબાપા સહિત અન્ય વ્યવસ્થાની જરૂર પણ પડે છે.
આ તમામ સંજોગો જોતાં કોરોનાકાળમાં આવી બધી વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી હશે? સમગ્ર ગુજરાતમાંથી આ ગામમાં લોકો કેવી રીતે પહોંચ્યા હશે! એ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. RTI કરનાર અરજદારને આશંકા છે કે ગામના તલાટીઓ દ્વારા વ્યવસ્થિત રીતે જાળ રચી કૌભાંડ આચર્યું હોઈ શકે છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાનનો માસ્ટર સ્ટ્રોક! ઔરંગઝેબ વિવાદ વચ્ચે સંસદમાં ‘છાવા’ ફિલ્મ જોશે PM મોદી, મંત્રીઓ અને સાંસદો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD