કોરોના સંક્રમણની વધી સ્પીડ ! આ રાજ્યો TOP-5માં
ભારતમાં કોરોનાની મહામારીએ ફરી એકવાર જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,313 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 38 લોકોના મોત થયા છે. તો એક દિવસમાં 10 હજાર 972 લોકો સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 84 હજાર થઈ ગઈ છે. 22 જૂને દેશભરમાં કોરોના સંક્રમણના 12249 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોની કુલ સંખ્યા 5 લાખ 24 હજાર 941 થઈ ગઈ છે.
#COVID19 | India reports 13,313 fresh cases, 10,972 recoveries and 38 deaths in the last 24 hours.
Active cases 83,990
Daily positivity rate 2.03% pic.twitter.com/u8Q2WhlI3w— ANI (@ANI) June 23, 2022
કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત અત્યારસુધી દેશમાં 196 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14 લાખ 91 હજાર 941 ડોઝ લગાવવામાં આવ્યા છે. તો ICMRના કહેવા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 લાખ 56 હજાર 410 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં સંક્રમણનો દર 2.03 ટકા છે.
કેરળમાં સૌથી વધુ નવા કેસ
ભારતના જે પાંચ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે, તેમાં કેરળ પહેલા નંબર પર છે. કેરળમાં કોરોનાના નવા 4224 કેસ નોંધાયા. તો દેશમાં એક દિવસમાં થયેલા 38 મોતમાંથી માત્ર કેરળમાં 20 લોકોના મોત થયા છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. બીજા નંબર મહારાષ્ટ્ર છે જ્યાં 3260 નવા કેસ સામે આવ્યા છે. તો ત્રણ વધુ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 24639 છે. ગઈકાલની સરખામણીએ એક્ટિવ કેસમાં 276નો ઘટાડો નોંધાયો છે. આ સિવાય દિલ્લીમાં નવા 928 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસમાં 541નો ઘટાડો થયો છે અને તે ઘટીને 5054 થઈ ગયો છે. ચોથા નંબર તમિલનાડુ છે જ્યાં 771 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ, ઉત્તર પ્રદેશમાં 678 નવા કેસ નોંધાયા છે. યુપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ચાર લોકોના મોત થયા છે.
અન્ય કેટલાક રાજ્યોની વાત કરીએ તો, કર્ણાટકમાં 676 નવા કેસ નોંધાયા છે. તો આ સિવાય હરિયાણામાં નવા 527, તેલંગણામાં 434, ગુજરાતમાં 407, પશ્ચિમ બંગાળમાં 295, રાજસ્થાનમાં 102, બિહારમાં 126 અને પંજાબમાં 134 નવા કેસ નોંધાયા છે. ગોવામાં પણ 156 નવા કેસ નોંધાયા છે.