

અમદાવાદમાં ગરમીને લઈ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ગત મહિના કરતા ચાલુ મહિનામાં ઝાડા ઊલટીનાં કેસમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદના તાપમાનમાં વધારો થતાં મે મહિનાના 21 દિવસમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 550 કેસ નોંધાવા પામ્યાછે. વિરાટનગર,મણિનગર,ઓઢવ સહિતના પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે. મે મહિનામાં લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી 259 સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.હીટ સ્ટ્રોકના કુલ 44 કેસ નોંધાયા હતો.40 અમદાવાદના જયારે ચાર શહેર બહારના હતા.હિટ સ્ટ્રોકના દર્દીઓને એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, કાળજાળ ગરમીને લઈ પાણી જન્ય રોગચાળો વકર્યો છે. શહેરીજનોએ અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોએ બપોરનાં 12થી5ના સમયગાળા દરમ્યાન બિનજરૂરી બહાર જવું ટાળવું જોઈએ.
પ્રદૂષિત પાણીની ફરિયાદોના સ્થળે પાઈપલાઈન બદલાઈ રહી છે
છેલ્લા થોડા સમયમાં મહત્તમ તાપમાનમાં વધારો થવા ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતા હેલ્થ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.આ દરમ્યાન શહેરના પૂર્વમાં આવેલા વટવા,ઈસનપુર અને લાંભા સહિતના વિસ્તારો ઉપરાંત કોટ વિસ્તારના વિસ્તારોમાં પણ પ્રદૂષિત પાણીની ફરિયાદોના પગલે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરમાં પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોની વચ્ચે જે વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ મળે એ વિસ્તારમાં પાઈપલાઈન બદલવાની કામગીરી મ્યુનિ.ના ઈજનેર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા કલોરીન માટેની ટેબલેટ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
ઝાડા ઊલટીનાં 550 કેસ નોંધાયા
21 મે સુધીમાં શહેરમાં પાણીજન્ય એવા ઝાડા ઊલટીનાં 550 કેસ નોંધાયા હતા. કમળાના 110 કેસ જયારે ટાઈફોઈડના 177 કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરી થી 21મે સુધીમાં ઝાડા ઊલટીના કુલ 2112 કેસ, ટાઈફોઈડના 614 જયારે કમળાના 596 કેસ નોંધાયા હતા. મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન સોંલંકીના કહેવા પ્રમાણે,આ વર્ષે જાન્યુઆરીની સરખામણીએ ટાઈફોઈડના કેસમાં ત્રણ ગણો વધારો થવા પામ્યો છે. આ વર્ષે અત્યારસુધીમાં કોલેરાના કુલ સાત કેસ નોંધાયા છે.
મચ્છરજન્ય રોગમાં 21 મે સુધીમાં મેલેરિયાના 59 કેસ,ઝેરી મેલેરિયાના ચાર કેસ નોંધાયા હતા.ડેન્ગ્યૂના 14 કેસ અને ચિકનગુનિયાના 11 કેસ નોંધાવા પામ્યા છે.મે મહિનામાં 9715 રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલ પૈકી 259 સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.આ વર્ષે અત્યાર સુધીમાં રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે કુલ 32651 સેમ્પલ લેવાયા હતા.મે મહિનામાં બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે 1412 સેમ્પલ લેવાયા હતા.જે પૈકી 24 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.આ વર્ષે અત્યાર સુધીમાં બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે કુલ 4899 સેમ્પલ લેવામાં આવ્યા હતા.