ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી અમદાવાદના NID કેમ્પસમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે NIDમાં વધુ 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ NIDમાં હવે કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે. NIDમાં કોરોનાનો વિસ્ફોટ થતાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે.
AMC દ્વારા NIDમાં 700 કરતા વધુના કોરોના ટેસ્ટ કરાયા
NID દ્વારા જણાવેલા આંકડા અનુસાર 6 મેના રોજ 1 કેસ, 7 મેના રોજ 5 કેસ, 8 મેના રોજ 17 કેસ, 9 મેના રોજ 3 કેસ અને 10 મેના રોજ 11 કોરોનાના કેસ નોંધાયા છે. જો કે એકસાથે કોરોનાના આટલા કેસ સામે આવતા અમદાવાદની NIDની હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. ત્યારે 8 તારીખ બાદથી AMC દ્વારા NIDમાં 700 કરતા વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. અમદાવાદના પાલડીમાં આવેલા NIDમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. AMCના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, NIDમાં છેલ્લાં 3 દિવસમાં આ કેસો નોંધાયા હતા. હાલ આ તમામ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક છે. હાલ તંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ કરવામાં આવી રહી છે.
મંગળવારે રાજ્યમાં નવા 33 દર્દીઓ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા હતા. જો કે, રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું . નવા નોંધાયેલા કેસની જો વાત કરીએ તો અમદાવાદમાં 24, વડોદરામાં 8 અને જામનગરમાં 1 કેસ સામે આવતા કુલ 33 કેસ નોંધાયા છે.
કોરોનાને લઈને દેશમાં શું છે સ્થિતિ?
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2897 નવા કેસ અને 54 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 2288 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા હતા, જ્યારે 3044 લોકો સાજા થયા છે. સોમવારે 3207 નવા કેસ અને 29 સંક્રમિતોના મોત થયા હતા.
એક્ટિવ કેસ 20 હજારથી ઓછા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 19,494 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,157 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,66,935 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 190,67,50,637 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,83,878 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી વેક્સિનેશન શરૂ થયું હતું.