ટોપ ન્યૂઝવર્લ્ડ

ચીનમાં ફરી કોરોનાનો હાહાકાર, અંત્યેષ્ટી માટે કતાર, નિયંત્રણથી બહાર જઈ શકે છે મોતના આંકડા

બેઈજિંગઃ ભારે વિરોધ બાદ અંતે ચીને તેની કડક શૂન્ય-કોવિડ નીતિ હળવી કરી છે. જો કે ચીન સરકારે પોતાના કોવિડ નિયમમાં છૂટછાટ આપ્યા બાદ સમગ્ર દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુના કેસમાં વધારો થયો છે. ત્યારે એક અનુમાન મુજબ લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે અને લાખો લોકોના મોતની શક્યતા પણ છે. સોમવારે, ચીનના આરોગ્ય અધિકારીઓએ રાજધાની બેઇજિંગમાં કોવિડ -19થી બે મૃત્યુની પુષ્ટિ કરી. બીજી તરફ, ચીનના ટોચના આરોગ્ય અધિકારી ડૉ. વુ જુન્યોએ કહ્યું છે કે, આવતા વર્ષના માર્ચના મધ્ય સુધીમાં આ ચેપની વૃદ્ધિ ઝડપથી વધશે અને આ ત્રણ મહિનામાં આખો દેશ કોવિડની ત્રીજી લહેરથી પ્રભાવિત થશે.

મીડિયા રિપોર્ટ મુજબ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવા અને અંત્યેષ્ટી માટે રાહ જોવી પડી રહી છે, કેમકે દર્દીઓ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આગામી ત્રણ મહિનામાં ચીનમાં કોરોના લહેરનો ખતરો છે. 10 લાખથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેનાથી દુનિયભરમાં ચિંતા થવા લાગી છે.

ઓક્ટોબર સુધી ચીન કોરોના વિરૂદ્ધ પોતાની ઝીરો કોવિડ પોલીસીના જોરે યુદ્ધ સ્તરે સામનો કરી રહ્યું હતું, પરંતુ લોકડાઉન વિરૂદ્ધ શરૂ થયેલા આંદોલનને કારણે તેઓએ પ્રતિબંધ હટાવવા પડ્યા. જે બાદથી સ્થિતિ ઝડપથી બગડવા લાગી છે. ત્રણ વર્ષ પહેલાં ડિસેમ્બરમાં જ દુનિયાનો સૌથી પહેલો કેસ ચીનમાં સામે આવ્યો હતો. જે બાદથી ડ્રેગન કોરોના સામેની જંગ લડી રહ્યો છે.

મહામારી વિશેષજ્ઞ એરિક ફેગલ-ડિંગે વીડિયો શેર કરી ચેતવણી આપી કે ચીનમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. દેશભરમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ડિંગ અમેરિકી સાર્વજનિક સ્વાસ્થ્ય વૈજ્ઞાનિક છે. તેઓ હાલ ન્યૂ ઈંગ્લેન્ડ કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ ઈન્સ્ટીટ્યૂટમાં કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ છે.

મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે
મીડિયા રિપોર્ટ મુજબ ચીન કોરોનાના આંકડા સતત છુપાવે છે. નવેમ્બર મધ્ય સુધીમાં 11 મોતની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી જ્યારે રોજ 10,000થી વધુ સંક્રમિત કેસ સામે આવી રહ્યાં હતા. જો કે અંત્યેષ્ટિ સ્થળો તેમજ હોસ્પિટલના વીડિયો અલગ જ હકિકત જણાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે કે ચીનની હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે અને અંત્યેષ્ટી માટે લાઈનો લાગી છે. હોસ્પિટલના શબઘરના કર્મચારીઓની સંખ્યા વધારવી પડી છે, કેમકે કોવિડથી મોતની સંખ્યા સતત વધી રહી છે.

માર્ચ સુધીમાં આવી શકે છે ત્રણ લહેરઃ ડૉ વૂ જુન્યો
ચીનના રોગચાળાના નિષ્ણાત ડૉ. જુન્યોએ જણાવ્યું કે, હાલમાં દેશ કોરોનાની પ્રથમ લહેરથી પીડિત છે અને જાન્યુઆરીના અંતમાં બીજી લહેર આવવાની આશા છે. આ સમયે, 21 જાન્યુઆરીથી, ચીનમાં એક અઠવાડિયા સુધી ચાઇનીઝ નવા વર્ષની ઉજવણી થશે અને લોકો રજાઓ ગાળવા પરિવાર સાથે પ્રવાસ કરશે. ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્યમાં આવી શકે છે કારણ કે લોકો તેમની રજાઓ ગાળ્યા પછી કામ પર પાછા ફરે છે.

ડૉ. વુ જુન્યોનું આ નિવેદન અમેરિકાની એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાના આ અઠવાડિયે એક અહેવાલ પછી આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2023માં કોવિડ સંક્રમણને કારણે ચીનમાં 10 લાખ લોકોના મૃત્યુ થવાની આશંકા છે. દરમિયાન, ચીનની સરકારે દેશમાં વિરોધના દબાણ હેઠળ તેની શૂન્ય-કોવિડ નીતિ હળવી કર્યા પછી, ડિસેમ્બર 7 પછી પ્રથમ વખત મૃત્યુઆંકની વિગતો જાહેર કરી.

જ્યારે વાસ્તવિકતા એ છે કે ચીનના કબ્રસ્તાનમાં મૃતકોની સંખ્યા વધી રહી છે. તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય સત્તાવાળાઓ કોવિડ-19 મૃત યાદીમાં ફક્ત તે જ લોકોને સામેલ કરે છે જેનું મૃત્યુ સીધા ચેપને કારણે થયું હોય અને તેમને ડાયાબિટીસ અને હૃદય રોગ ન હોય.

Back to top button