ગુજરાતટ્રેન્ડિંગ

ખોડલધામ મંદિરે શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા કન્વીનર મીટ અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

Text To Speech

કાગવડ, રાજકોટ, 6 ફેબ્રુઆરી 2025: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ યુવા સમિતિ (KDYS) દ્વારા તારીખ 5 ફેબ્રુઆરીને બુધવારના રોજ શ્રી ખોડિયાર જયંતીના પાવન અવસર નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે ઓલ ગુજરાત કન્વીનર મીટ અને ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કન્વીનર મીટમાં ગુજરાતભરમાંથી શ્રી ખોડલધામ યુવા સમિતિના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડલધામ યુવા સમિતિમાં નવા નિયુક્ત થયેલા કન્વીનરો અને સભ્યોને શ્રી ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ યુવા સમિતિના તમામ કન્વીનરો ગુજરાતમાંથી પધાર્યા છે અને ખોડલધામના આગામી કાર્યક્રમોનું મંથન અને સંગઠનનો વ્યાપ કેવી રીતે વધારવો તેનું ચિંતન કરી રહ્યા છો ત્યારે આપ સૌને અભિનંદન. ખોડલધામનો મુખ્ય ઉદ્દેશ સંગઠન બનાવવું અને સંગઠિત રહેવાનો છે. હું હંમેશા કહું છું કે ખોડલધામ સંસ્થા નથી પણ એક વિચાર છે. આપણો સમાજ ખૂબ સરળ છે, સંયમતાથી જીવીએ છીએ અને બીજા સમાજને મદદરૂપ થઈને આગળ વધી રહ્યા છીએ. આપણા આ વિચારે દરેક ઘર સુધી પહોંચે અને મજબૂત થઈને રાષ્ટ્રની સેવામાં જોડાઈએ તેવી સૌ યુવાનોને અરજ કરું છું. શ્રી ખોડલધામ યુવા સમિતિનો વ્યાપ વધુ ને વધુ વિસ્તરે અને તમામ યુવાનો આ સંગઠનમાં જોડાય તેવી મા ખોડલને પ્રાર્થના.

શ્રી ખોડિયાર જયંતીના પાવન પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા આયોજિત દિવ્ય અને ભવ્ય કન્વીનર મીટ અને ધ્વજારોહણ પ્રસંગે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રી ખોડલધામ યુવા સમિતિના કન્વીનરો, સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કન્વીનર મીટ બાદ ધ્વજાજીનું પૂજન કરીને વાજતે-ગાજતે રાસ-ગરબા રમીને સૌ યુવાનોએ શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. ત્યારબાદ સૌ મહાપ્રસાદ લઈને છુટ્ટા પડ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં 3219 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ, દેશમાં સંખ્યાની દૃષ્ટિએ જાણો કયા ક્રમે

Back to top button