ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી વિવાદ, ડૉ.સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં દાખલ કરી અરજી

  • ડૉ.સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને રાહુલ ગાંધી સામેની તેમની ફરિયાદ પર સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ આપવાની માંગ કરી

નવી દિલ્હી, 16 ઓગસ્ટ: રાહુલ ગાંધીની નાગરિકતાના મામલાએ ફરી એકવાર જોર પકડ્યો છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ આજે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી છે. ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ કેન્દ્ર સરકારને રાહુલ ગાંધી સામેની તેમની ફરિયાદ પર સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરી છે.

આગામી સપ્તાહમાં થઈ શકે છે સુનાવણી

આ અરજી પર આવતા સપ્તાહે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ગૃહ મંત્રાલયને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ્દ કરવા માટે નિર્દેશ આપવા માંગ કરી છે. આ પહેલા કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે આઈટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

ગંભીર આક્ષેપો કર્યા હતા

ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધીએ ભારતીય નાગરિક હોવાને કારણે ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955 સાથે જોડાયેલી ભારતીય બંધારણની કલમ 9નું ઉલ્લંઘન કર્યું છે. સ્વામીએ એવો પણ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી ભારતીય નાગરિક રહી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, બંધારણની કલમ 9 કહે છે કે, ‘કોઈપણ વ્યક્તિ ભારતનો નાગરિક રહેશે નહીં અથવા ભારતનો નાગરિક માનવામાં આવશે નહીં જો તે વ્યક્તિએ સ્વેચ્છાએ કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરી હશે.’

 શું કરી રહ્યા છે દાવો?

સ્વામીએ અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, બેકઓપ્સ લિમિટેડ નામની કંપની 2003માં યુનાઈટેડ કિંગડમમાં રજીસ્ટર થઈ હતી, જેમાં રાહુલ ગાંધી ડાયરેક્ટર અને સેક્રેટરી હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, 2005 અને 2006માં ફાઈલ કરવામાં આવેલા કંપનીના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મતારીખ 19 જૂન, 1970 દર્શાવવામાં આવી હતી અને તેમની રાષ્ટ્રીયતા બ્રિટિશ નાગરિક તરીકે દર્શાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં વિવાદ ઊભો થયો

મહત્ત્વપૂર્ણ છે કે, થોડા વર્ષો પહેલા પણ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન અરજીમાં ગૃહ મંત્રાલયને રાહુલની નાગરિકતાના મામલાની તાત્કાલિક તપાસ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, જો કોઈ કંપની રાહુલ ગાંધીને કોઈપણ સ્વરૂપમાં બ્રિટિશ નાગરિક જાહેર કરે છે તો તેનો અર્થ એ નથી કે, તેઓ બ્રિટિશ નાગરિક બની ગયા છે. આ સમગ્ર વિવાદ પર પ્રિયંકા ગાંધી પણ આગળ આવી હતી અને કહ્યું હતું કે, આખો દેશ જાણે છે કે રાહુલ ગાંધીનો જન્મ ભારતમાં થયો હતો અને તે ભારતીય છે.

આ પણ જૂઓ:  પશ્ચિમ બંગાળની ઘટનામાં મમતા સરકારની કાર્યવાહી નિંદનીય, ડોક્ટરોને અમારુ સમર્થનઃ ભાજપ

Back to top button