ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘IC 814’ વેબ સિરીઝ પર વિવાદ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflix કન્ટેન્ટ હેડને પાઠવ્યું સમન્સ

  • IC 814ના કથિત વિવાદાસ્પદ પાસાઓ પ રNetflix ઇન્ડિયાના કન્ટેન્ટ હેડની પાસેથી સ્પષ્ટતા માંગી હોવાની માહિતી 

નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર: Netflixની નવી વેબ સિરીઝ ‘IC 814’ આ દિવસોમાં ચર્ચા અને વિવાદોમાં છે. નિર્દેશક અનુભવ સિન્હાની આ વેબ સિરીઝને લોકો તરફથી વખાણ મળી રહ્યા છે તો બીજી તરફ શોને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. હવે આ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflixના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રાલયે મંગળવારે Netflix ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યું હતું અને ‘IC 814’ના કથિત વિવાદાસ્પદ પાસાઓ પર તેમની પાસેથી સ્પષ્ટતા માંગી હતી.

 

ઘણા લોકો ‘IC 814’ પર આરોપ લગાવી રહ્યા છે કે, શોમાં આતંકવાદીઓના અસલી નામ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કારણે લોકો શોનો વિરોધ કરી રહ્યા છે અને નેટફ્લિક્સ-બોલીવુડના બોયકોટના હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી રહ્યા છે.

શું છે વિવાદ?

ડિરેક્ટર અનુભવ સિન્હાનો નેટફ્લિક્સ શો ‘IC 814’ ડિસેમ્બર 1999માં બનેલી એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. નેપાળના કાઠમંડુથી નવી દિલ્હી જઈ રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર IC 814ને આતંકવાદીઓએ હાઈજેક કરી લીધી હતી. આ એરક્રાફ્ટને અલગ-અલગ સ્થળોએ થઈને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું હતું. વાટાઘાટોમાં, ભારત સરકારે તેના મુસાફરોના જીવના બદલામાં આતંકવાદીઓની માગણીઓ સ્વીકારવી પડી. આમાંની એક માંગ ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની હતી – મૌલાના મસૂદ અઝહર, ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ ઝરગર જે તે સમયે ભારતીય જેલમાં હતા. તેમની મુક્તિથી અત્યાર સુધી આ ત્રણેય ભારતમાં બની રહેલી આતંકવાદી ઘટનાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

વેબ સિરીઝ ‘IC 814’માં, હાઇજેકર્સ સમગ્ર ઘટના દરમિયાન તેમના વાસ્તવિક નામોને બદલે કોડ નેમનો ઉપયોગ કરતા જોવા મળે છે. આ નામો છે: બર્ગર, ચીફ, શંકર અને ભોલા. લોકો સોશિયલ મીડિયા પર આરોપ લગાવી રહ્યા છે કે, આ આતંકવાદીઓના અસલી નામ છુપાવવાનો પ્રયાસ છે. જેને લઈને શો અને ડાયરેક્ટર અનુભવ સિન્હા સામે વિરોધ થઈ રહ્યો છે એટલું જ નહીં, લોકો નેટફ્લિક્સ-બોલીવુડનો બહિષ્કાર કરવાના હેશટેગ સાથે પોસ્ટ પણ કરી રહ્યા છે.

શું છે હકીકતો?

6 જાન્યુઆરી, 2000ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, હાઇજેકર્સના સાચા નામ આ હતા:

-ઇબ્રાહીમ અતહર, બહાવલપુર

-શાહિદ અખ્તર સઈદ, ગુલશન ઈકબાલ, કરાચી

-સન્ની અહેમદ કાઝી, ડિફેન્સ એરિયા, કરાચી

-મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહીમ, અખ્તર કોલોની, કરાચી

-શાકીર, સુક્કુર શહેર

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાઇજેક કરાયેલા એરક્રાફ્ટમાં સવાર મુસાફરો માટે, હાઇજેકરોએ પોતાને કોડનામ આપ્યા હતા: ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર. તેઓએ અપહરણ દરમિયાન એકબીજાને બોલાવવા માટે આ નામોનો ઉપયોગ કર્યો હતો.

કોણે શું કહ્યું વિવાદ પર?

BJP IT સેલના ચીફ અમિત માલવિયાએ પણ ‘IC 814’ સંબંધિત વિવાદને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, IC-814ના હાઇજેકર્સ ભયંકર આતંકવાદી હતા, જેમણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે ઉપનામ રાખ્યા હતા. તેમણે કહ્યું કે, ‘ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ તેમના બિન-મુસ્લિમ નામોનો પ્રચાર કરીને તેમના ગુનાહિત ઈરાદાઓને કાયદેસર બનાવ્યા છે.’ અમિતે કહ્યું કે, આવું કરવાને કારણે દશકાઓ પછી લોકો વિચારશે કે હિન્દુઓએ IC-814 હાઇજેક કર્યું હતું.’

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટર પર લખ્યું, ‘જે લોકો કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોને ભગવાનનું સત્ય માનતા હતા તેઓને Netflix શો ‘IC 814’માં જે રીતે ઘટનાઓને દર્શાવવામાં આવી છે તેના પર ગુસ્સે થવું ખૂબ જ રસપ્રદ છે. . હવે અચાનક તેઓ સ્ક્રિપ્ટમાં ચોકસાઈ અને વિગત પણ ઈચ્છે છે.

આ પણ જૂઓ:  ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ, દુબઈ એરપોર્ટ પર સાથે દેખાયા!

Back to top button