કૈલાશ વિજયવર્ગીયના વસ્તી સંતુલન અંગેના નિવેદનથી મધ્યપ્રદેશમાં વિવાદ, જાણો શું કહ્યું?
ભોપાલ, 19 ઓગસ્ટઃ મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ દાવો કર્યો હતો કે દેશમાં ‘બદલાઈ રહેલા વસ્તી સંતુલન’ને ટાંકીને એક નિવૃત્ત સૈન્ય અધિકારીએ તેમને કહ્યું હતું કે 30 વર્ષ પછી દેશમાં ‘ગૃહ યુદ્ધ’ શરૂ થઈ શકે છે. જોકે વિજયવર્ગીયનું આ નિવેદન મીડિયામાં આવ્યા બાદ તરત જ કોંગ્રેસે તેને બેજવાબદાર ગણાવ્યું અને કહ્યું છે કે મંત્રીએ જાહેરમાં માફી માંગવી જોઈએ.
મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારમાં શહેરી વિકાસ મંત્રી વિજયવર્ગીયએ રવિવારે ઈન્દોરમાં રક્ષાબંધન સંબંધિત એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે, “આજે સામાજિક સમરસતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું બે દિવસ પહેલાં એક નિવૃત્ત સૈન્ય અધિકારી સાથે બેઠો હતો. એ નિવૃત્ત અધિકારી સામાજિક કાર્યોમાં ખૂબ જ સક્રિય છે, તેમણે કહ્યું કે આગામી 30 વર્ષમાં દેશમાં ગૃહયુદ્ધ થઈ શકે છે. આ માટેનું કારણ વસ્તીમાં થઈ રહેલું અસંતુલન છે તેમ મધ્યપ્રદેશના મંત્રીએ નિવૃત્ત સૈન્ય અધિકારીને ટાંકીને કહ્યું હતું.
સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રહી ચૂકેલા વિજયવર્ગીયે એમ પણ કહ્યું હતું કે કેટલાક લોકો અંગ્રેજોની “ભાગલા પાડો અને રાજ કરો”ની નીતિ હેઠળ ખુરશી મેળવવા માટે માત્ર જાતિના આધારે હિન્દુ સમુદાયને વિભાજિત કરવા માંગે છે.
આ મુદ્દે રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ કહ્યું, “વિજયવર્ગીયનું નિવેદન સંપૂર્ણપણે બેજવાબદાર છે અને તેના માટે માફી માંગવી જોઈએ.” કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે વિજયવર્ગીયએ સ્પષ્ટતા કરવી જોઈએ કે કયા નિવૃત્ત સૈન્ય અધિકારીએ 30 વર્ષ બાદ દેશમાં ગૃહયુદ્ધ શરૂ થવાની આશંકા વ્યક્ત કરી છે અને આ ડરનો આધાર શું છે? તેમણે કહ્યું કે વિજયવર્ગીયનું નિવેદન દેશમાં અસ્થિરતા અને ભયનું વાતાવરણ પેદા કરી રહ્યું છે અને શાંતિ અને ભાઈચારા પર સવાલો ઊભા કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિજયવર્ગીયે જે કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું તે કાર્યક્રમનું આયોજન શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ‘સામાજિક સમરસતા રક્ષાબંધન ઉત્સવ’ના નામે આયોજિત કાર્યક્રમમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ “જે લોકો મમતા બેનરજી વિરુદ્ધ આંગળી ઉઠાવશે તેમની આંગળી તોડી નાખવી પડશે”: જાણો કોણે આપી લુખ્ખી ધમકી?