અશ્વિનના WTC ફાઈનલ ન રમવાને લઈને વિવાદ યથાવત, ભૂતપૂર્વ કેપ્ટને ટીમ મેનેજમેન્ટને ફટકાર લગાવી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટની પણ સતત ટીકા થઈ રહી છે. રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ 11માં સ્થાન ન મળતા બધાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કારણકે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા લેફ્ટી બેટ્સમેન હાજર હતા. ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાએ પણ આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા ટીમ મેનેજમેન્ટની ટીકા કરી છે.
અંજુમ ચોપરાએ આ બાબતે કહ્યું કે મને એકદમ ખરાબ લાગ્યું. રવિચંદ્રન અશ્વિન ચોક્કસપણે મારી ટીમમાં હશે. હું એમ નથી કહેતી કે અમે 4 ફાસ્ટ બોલરો સાથે રમી શકીએ નહીં. પરંતુ મને લાગે છે કે સંજોગો ગમે તે હોય, અશ્વિનને ટીમમાં ચોક્કસપણે સામેલ કરવામાં આવે. જો ભારત ટોસ હારી ગયું હોત અને આપણને પ્રથમ બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. આપણને એવું વિચારવામાં તકલીફ થશે કે આપણે શું કરવું જોઈએ? મને ખાતરી છે કે ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય પર જરૂર વિચાર કર્યો હશે.
આ પણ વાંચોઃ અશ્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટ રેન્કિંગમાં આ સ્થાન મેળવનારો પ્રથમ ભારતીય બોલર બન્યો
પોતાના નિવેદનમાં અંજુમ ચોપરાએ વધુમાં કહ્યું કે અશ્વિન એક મહાન બોલર છે અને હું તેને મારા પ્લેઇંગ 11માં ચોક્કસપણે સામેલ કરીશ. તે કોઈપણ પરિસ્થિતિમાં ટીમ માટે સારું પ્રદર્શન કરી શકે છે. તેનો રેકોર્ડ અને પ્રતિભા જુઓ, ભારતીયોએ તેને પ્લેઈંગ 11માં ચોક્કસપણે સામેલ કરવો જોઈતો હતો.
અશ્વિને પણ સામેલ ન થવા પર નિરાશા વ્યક્ત કરી
WTC ફાઈનલ મેચ બાદ, રવિચંદ્રન અશ્વિને એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્લેઈંગ 11માં સ્થાન ન મળવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી. અશ્વિને કહ્યું હતું કે મેં પણ અહીં સુધી પહોંચવામાં મારી ભૂમિકા ભજવી છે. ગત વખતે મેં ફાઈનલ મેચમાં 4 વિકેટ લીધી હતી. વર્ષ 2018-19થી મારી બોલિંગ વિદેશ પ્રવાસમાં ઘણી સારી બની છે.