સાઉથ આફ્રિકાની વર્લ્ડ કપ ટીમના વિવાદમાં રબાડા કેન્દ્રમાં
17 મે, પ્રિટોરિયા: સાઉથ આફ્રિકાની ટીમ અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપ જીતી શકી નથી, પછી તે પચાસ ઓવરનો વર્લ્ડ કપ હોય કે પછી વીસ ઓવરનો. એવામાં આ વર્ષના T20 World Cup માટે જાહેર થયેલી ટીમ બાબતે સાઉથ આફ્રિકામાં મોટો રાજકીય વિવાદ ઉભો થઇ ગયો છે અને આ વિવાદના કેન્દ્રમાં છે કાગીસો રબાડા.
આપણે જાણીએ છીએ કે કાગીસો રબાડા સાઉથ આફ્રિકાનો મહત્વનો બોલર છે, પરંતુ તેને આ વિવાદમાં ઘસેડવામાં આવ્યો છે. આ વિવાદ પાછળ મૂળ કારણ એવું છે કે રંગભેદ ખતમ થયા બાદ સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમમાં કેટલા અશ્વેત ખેલાડીઓ હોવા જોઈએ તે અંગે નિયમ બનાવવામાં આવ્યો છે. આ અશ્વેત ખેલાડીઓની સંખ્યાના નિયમમાં પણ કેટલા આફ્રિકી સમુદાયના અશ્વેત ખેલાડીઓ હશે તે અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ T20 વર્લ્ડ કપ માટે જે સાઉથ આફ્રિકન ટીમની જાહેરાત કરવામાં આવી છે તેમાં કાગીસો રબાડા એક માત્ર આફ્રિકી મૂળનો અશ્વેત ખેલાડી છે જેને કારણે સાઉથ આફ્રિકાના રાજકીય વર્તુળોમાં વિવાદ છેડાઈ ગયો છે. નિયમ અનુસાર સાઉથ આફ્રિકાની ટીમમાં ઓછામાં ઓછા 6 અશ્વેત ખેલાડી હોવા જરૂરી છે અને તેમાં પણ 2 ખેલાડીઓ આફ્રિકન મૂળના અશ્વેત ખેલાડી હોવા જોઈએ.
પરંતુ ફક્ત રબાડાને જ ટીમમાં લઈને આ નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાનું અહિંના રાજકારણીઓ કહી રહ્યા છે. ટીમમાં રબાડાની સાથે જ રીઝા હેન્ડ્રીક્સ, બોજોર્ન ફોર્ટ્યુન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી અને ઓટોનેલ બાર્ટમેનના રૂપમાં કુલ 6 અશ્વેત ખેલાડીઓ છે. ટીમમાં લુંગી એન્ગીડી છે જે મૂળ આફ્રિકન સમુદાયનો છે પરંતુ તેને રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમના આ કોમ્બિનેશનનો વિરોધ ખુદ સાઉથ આફ્રિકાના ખેલ મંત્રી અને ક્રિકેટ સાઉથ આફ્રિકાના પૂર્વ ચેરમેન ફિકીલે મબાલુલાએ જ કર્યો છે. તેમણે કહ્યું છે કે, ‘T20 વર્લ્ડ કપની ટીમમાં ફક્ત એક જ આફ્રિકન મૂળનો ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે તે આપણે જે પરિવર્તનની દિશામાં જવા માંગીએ છીએ તેનાથી બિલકુલ ઉલટું છે અને તેમાં સાઉથ આફ્રિકાના લોકોનું પૂરતું પ્રતિનિધિત્વ નથી.’
હાલના ICC અધ્યક્ષ અને ક્રિકેટ સાઉથ આફ્રિકાના પૂર્વ અધ્યક્ષ રે મેલ દ્વારા પણ વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આમ થવાથી સાઉથ આફ્રિકાનું ક્રિકેટ આગળ નહીં પરંતુ પાછળ જશે.