ભારતીય કફ સિરપ પર ફરી થઇ બબાલઃ WHOએ શું એલર્ટ જારી કર્યુ?
- WHOએ 10 જુલાઈના રોજ ઈરાકમાં આ સામાન્ય કોલ્ડ સિરપના નમૂના લીધા હતા
- ભારતમાં બનેલી સીરપમાં ડાયથિલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાઇકોલની માત્રા વધુ
- બેચમાં જે સિરપ હતી તેમાં 0.25 ટકા ડાયથિલિન ગ્લાઇકોલ અને 2.1 ટકા એથિલીન ગ્લાઇકોલ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ હવે વધુ એક ભારતીય કફ સિરપ (પેરાસીટામોલ અને ક્લોરફેનિરામાઈન)ને લઇને એલર્ટ જારી કર્યુ છે. WHOએ 10 જુલાઈના રોજ ઈરાકમાં આ સામાન્ય કફ સિરપના નમૂના લીધા હતા, જેને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલ તપાસમાં નિષ્ફળ ગયુ છે. એવું જાણવા મળ્યું છે કે ભારતમાં બનેલી સીરપમાં ડાયથિલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાઇકોલની માત્રા વધુ મળી આવી હતી, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. બેચમાં જે કફ સિરપ હતી તેમાં 0.25 ટકા ડાયથિલિન ગ્લાઇકોલ અને 2.1 ટકા એથિલીન ગ્લાઇકોલ હતુ.
માપદંડો કરતા અનેક ગણુ વધુ હતુ કેમિકલ
WHOએ જણાવ્યું હતું કે કફ સિરપનું ઉત્પાદન ફોરર્ટ્સ (ઇન્ડિયા) લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડેબીલાઇફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ માટે કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સિરપમાં એથિલીન ગ્લાઇકોલ અને ડાયેથિલિન ગ્લાઇકોલ બંનેની નિર્ધારિત મર્યાદા 0.10 ટકા સુધી છે. આ સિવાય ઉત્પાદક-વિક્રેતાએ ઉત્પાદન અંગે WHOને સલામતી અને ગુણવત્તાની કોઈ ગેરંટી આપી નથી.
સિરપનો ઉપયોગ મૃત્યુ તરફ દોરી શકે
WHOએ કહ્યું કે આ સિરપનો ઉપયોગ કરવો અસુરક્ષિત છે. તેનો ઉપયોગ વ્યક્તિના આરોગ્યને ગંભીર રીતે બગાડી શકે છે અથવા તે મૃત્યુ તરફ દોરી શકે છે. હાલમાં આ અંગે કંપનીઓ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. WHOએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે હરિયાણામાં ઉત્પાદિત મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચાર ઉત્પાદનો પણ તપાસ હેઠળ છે. તે જ સમયે, ડિસેમ્બર 2022 માં, ડબ્લ્યુએચઓએ યુપીમાં બનનારી બાયોટેક પ્રાઇવેટની બે પ્રોડક્ટ્સ અંગે ચેતવણી જારી કરી હતી. જો કે, પંજાબમાં ઉત્પાદિત QP ફાર્માકેમ લિમિટેડ દ્વારા ઉત્પાદિત કફ સિરપને WHO દ્વારા આ વર્ષે એપ્રિલમાં લીલી ઝંડી બતાવાઇ હતી.
6,500 દવાની ફેક્ટરીઓ સર્ટિફિકેટ વગર કરે છે કામ!
આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ આ સપ્તાહની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે દેશમાં 10,500 ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓમાંથી 8,500 MSME શ્રેણીમાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી માત્ર બે હજાર ફેક્ટરીઓ પાસે WHOનું ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) સર્ટિફિકેટ છે. 6,500 ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ પાસે આ સર્ટિફિકેટ નથી. દવાઓની સારી ગુણવત્તા માટે આ પુરાવા હોવા ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચોઃ ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર ઉતરશે, પાંચ દાયકા બાદ ચંદ્ર પર પહોંચવાની તૈયારી પૂર્ણ