ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, ‘રોડ બનાવવા પૈસા છે પણ જગ્યા નથી’
ભરૂચમાં એક કાર્યક્રમમાં ધારાસભ્યએ રોડ બનાવવા તેમની પાસે જગ્યા જ ન હોવાનું કહેતા તેઓ ટ્રોલ થઈ ગયા હતા. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. તેમાં વિવાદિત નિવેદનથી ધારાસભ્ય ભરાયા છે.
મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા
ઉલ્લેખનીય છે કે ભરૂચ ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે કહ્યું કે, મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા છે. પણ મારી પાસે 5 કરોડ રૂપિયાના રોડ બનાવી શકાય એટલી જગ્યા જ નથી. એટલો વિકાસ આટલા દિવસમાં કર્યો છે. મારી પાસે એટલા રોડ જ નથી કે જ્યાં હું આ રોડ લખીને ટાઉન પ્લાનના કામોમાં આપી શકું.
બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં મોત થયા
તાજેતરમાં જ ભરુચ જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં બે માસુમ બાળકી અને દંપતિના મોત થયા હતા. એવામાં નાયબ મુખ્ય દંડકના આ નિવેદન બાદથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. જેમાં રાજ્યભરમાં ચોમાસામાં વરસાદી પાણીને રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમાં ગામ હોય કે શહેરના રસ્તાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ધારાસભ્યનું આ નિવેદન લોકોમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે.