રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું સોમનાથમાં અલ્લાહ તો અજમેરમાં મહાદેવ બેઠા છે; વિવાદ બાદ ચોખવટ કરી
રાજકોટઃ રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. મળતી જાણકારી મુજબ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે મોટા વિવાદની શક્યતા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનીલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.
ઈન્દ્રનીલે કહ્યું- સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં અલ્લાહ બેઠાં છે
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે- લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.
સાધુ-સંતોએ વાંધો ઉઠાવ્યો
ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.
વિવાદ વધતાં નિવેદનને લઈને ચોખવટ કરી
વિવાદસ્પદ ભાષણ બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે- આ ભાષણનો એક કટકો જ ભાજપે વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે આપણે લોહી ચડાવીએ તો ક્યારેય પૂછતાં નથી કે આ લોહીના કોનું છે. હું ધારાસભ્ય થયો એ પહેલા જંગલેશ્વરમાં તોફાનો થતા. હું એકતામાં માનું છું.તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું સર્વધર્મ સમભાવની વાત કરતો હતો. કોઇ પણ ધર્મ અને સંપ્રદાયનું અપમાન નહોતો કરવા માંગતો. મોરારી બાપુ અલ્લાહનો નારો લગાવે ત્યારે કેમ કોઇ વાંધો નહીં.