ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નૂપુર શર્મા, નવીન જિંદાલ સહિત 9 સામે FIR, ઉશ્કેરણીજનક નિવેદનો બદલ કાર્યવાહી

Text To Speech

દિલ્હી પોલીસે પયગંબર મોહમ્મદ વિશે ટીવી ડિબેટ દરમિયાન અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ FIR નોંધી છે. આ સાથે અન્ય 8 લોકો સામે પણ ઉશ્કેરણીજનક પોસ્ટ અને સોશિયલ મીડિયા પર પયગંબર મોહમ્મદ વિશે ખોટી માહિતી આપવા સામે કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસના IFSO યુનિટે આ લોકો વિરુદ્ધ અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલી બીજી એફઆઈઆરમાં ભાજપના નવીન જિંદાલ, પત્રકાર સબા નકવીનું નામ પણ સામેલ છે. આમાં શાદાબ ચૌહાણ, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુનનું નામ છે. દિલ્હી પોલીસ હવે આ લોકોને પૂછપરછ માટે નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે.

દુશ્મનાવટ ફેલાવવા અને ઉશ્કેરવા અને પરસ્પર ભાઈચારામાં તિરાડ ઉભી કરવામાં સામેલ હોવા બદલ દિલ્હી પોલીસ વતી આ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અગાઉ રવિવારના રોજ, ભાજપે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી પર કાર્યવાહી કરી, નૂપુર શર્માને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા, જ્યારે નવીન જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.

જો કે, મંગળવારે, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને તેણીની વિવાદાસ્પદ ટિપ્પણી પછી ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિકારીએ કહ્યું- “પયગંબર મોહમ્મદ પર અપમાનજનક ટિપ્પણી બાદ જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ નુપુર શર્મા અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવી હતી.”

નુપુર શર્માએ 27 મેના રોજ ટ્વિટ કરીને કહ્યું- “દિલ્હી પોલીસ કમિશનર… મને, મારી માતા, બહેન અને પિતાને જાનથી મારી નાખવાની, બળાત્કાર કરવાની અને ગળું કાપવાની ધમકી આપવામાં આવી રહી છે. મેં આ અંગે દિલ્હી પોલીસને પણ જાણ કરી છે. મારી સાથે અથવા મારા પરિવારના સભ્ય સાથે કંઈપણ અપ્રિય થઈ શકે છે.”

નુપુર શર્માને સસ્પેન્ડ કરતા ભાજપે કહ્યું- તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને તે એવી વિચારધારાઓનો સખત વિરોધ કરે છે જે કોઈપણ ધર્મ અથવા સમુદાયનું અપમાન કરે છે. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ ખાડી દેશોમાંથી આ પર આકરી પ્રતિક્રિયાઓ સામે આવી છે. ભારતે કહ્યું કે તેણે પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

Back to top button