આત્મનિર્ભરતામાં સંકલિત ડેરી વિકાસ યોજનાનું યોગદાન : દાંતા તાલુકામાં 3500 મહિલાઓને ભેંસો અપાઇ
પાલનપુર : ગુજરાતના પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારો એટલે મહદઅંશે ડુંગરાળ અને જંગલ વિસ્તાર. આદિજાતિ વિસ્તારોના ઝડપી, સર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સહિત સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. આદિજાતિ વિસ્તારોમાં રૂબરૂ જઇને જોઇએ ત્યારે વિકાસ અને જાગૃતિનો સુંદર અનુભવ થાય. ઠેર ઠેર પાકા ડામર રસ્તાઓ, પુરતી સંખ્યામાં શાળાઓ અને હોસ્ટેલો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પીવાના પાણીની સગવડ સહિત તમામ સુવિધા સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલ આદિજાતિ મહિલાઓ પણ સ્વનિર્ભર બની સારી આવક મેળવી શકે તથા પશુપાલનના વ્યવસાયમાં રોજગારી વધારવા માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા તાલુકા માટે અમલમાં મુકવામાં આવેલી છે.
આ યોજના અન્વયે આદિજાતિ કુંટુંબને બે દૂધાળા પશુ તેમજ આનુસાંગિક લાભ જેવા કે, વાસણની કીટ, પશુ વીમો, પશુ દાણ, ટ્રાન્સ્પોર્ટેશન, પશુ સારવાર અને તાલીમ આપવામાં આવે છે. આ યોજનામાં આદિજાતિ મહિલા લાભાર્થીઓને બે ભેંસો આપવામાં આવે છે. એક ભેંસની માન્ય કિંમત રૂ. 54400 છે. જેમાં ભારત સરકાર દ્વારા રૂ. ૧૭,૪૦૦ની સહાય અને ગુજરાત સરકાર દ્વારા રૂ. 15000ની સહાય અપાય છે. દાંતા તાલુકાના ગોઠડા ગામના શારદાબેન રામજીભાઈ ખોખરીયાએ જણાવ્યું કે, રોજનું 6 થી 7 લીટર દૂધ ડેરીમાં આપીએ છીએ. દુધના પગારમાંથી છોકરાં ભણાવીએ છીએ, કરિયાણું લાવીએ છીએ, ઘરનું બધું હેડે જાય છે. તો ગોઠવા ગામના નિશાબેન કેતનભાઈ અને પુષ્પાબેન ભરતભાઇ ખોખરીયાએ જણાવ્યું કે, દૂધની આવક થતા અમારા બાળકો હવે ઘરનું દૂધ પી શકે છે અને દૂધના વ્યવસાયથી અમારી સુખ-સમૃદ્ધિ વધી છે.
આમ સંકલિત ડેરી વિકાસ યોજનાથી અંતરીયાળ વિસ્તારમાં દૂધની આવકમાં વધારો થયો છે. તેમજ આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવતાં આ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિમાં સુખદ પરિવર્તન આવી રહ્યું છે. આવી યોજનાઓ આદિજાતિ બહેનો માટે આશીર્વાદરૂપ બની છે અને મહિલાઓ સ્વમાનભેર આત્મનિર્ભરતાથી પરિવારનું ગુજરાન ચલાવે છે.
બનાસ ડેરીના પ્રોજેક્ટ ઓફિસર ર્ડા. પ્રકાશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આ યોજના માટે બનાસ ડેરી અમલીકરણ સંસ્થા છે. આ વર્ષે 3500ના લક્ષ્યાંકને પૂર્ણ કરી દાંતા તાલુકા વિસ્તારમાં આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવી છે. જેનાથી આ વિસ્તારમાં દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેમની સુખ સુવિધામાં પણ ઉમેરો થયો છે.
આ પણ વાંચો : પાલનપુર : ભીલડી જુમ્મા મસ્જિદ ખાતે પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી