અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બનાવવા નવી કંપનીને કોન્ટ્રાક્ટ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે તાજેતરમાં મોહનથાળના પ્રસાદને લઈ વિવાદ સામે આવ્યો હતો. પ્રસાદ બનાવનાર કંપની મોહિની કેટરર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઘી માં ભેળસેળ સામે આવી હતી. જેના કારણે ઉહાપોહ મચી ગયો હતો. આ કંપનીને તાત્કાલીક બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી હતી ત્યારે હવે આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ હવે ટચ સ્ટોન ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે.
ઘી માં ભેળસેળ બાબતે કંપની થઈ હતી બ્લેકલિસ્ટ
મળતી માહિતી મુજબ, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અગાઉ પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગે લીધેલા આ સેમ્પલ ફેઈલ જતાં ઘીના 180 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતાં. આ ઘટનાથી માઈભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે બનાસકાંઠાનાં કલેકટર વરુણ કુમાર બરનવાલ દ્વારા મીડિયાને નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવામાં આવતો હોય છે. આ માટે ઘીનો મોટો જથ્થો ઉપયોગમાં લેવાય છે. તેનું કામ એજન્સીને સોંપવામાં આવતું હોય છે.
પ્રસાદનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો
દરમિયાન ગત તા.28 ઓગસ્ટનાં રોજ એનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યું હતું. ત્યાર પછી આખો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને કંપની બ્લેકલિસ્ટ કરી દેવાઈ હતી.