

નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે. નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી ભરૂચ શહેરમાંથી કુલ 300 લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. નર્મદાની વધતી સપાટી પર તંત્રની ચાંપતી નજર છે. જેથી નીચાણવાળઆ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં તંત્ર દ્વારા રજા જાહેર કરાઈ છે. તો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટને પહોંચી ગઈ છે. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ છે.
નર્મદા નદીની સપાટીમાં વધારો
ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટીએ સતત વધી રહ્યાં છે. જેને પગલે ગોલ્ડન બ્રિજ પાસેના ઝૂંપડપટ્ટી અને દાંડિયા બજારમાં પાણી ઘુસ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.32 મીટર પહોંચી છે. પાણીની આવક 5,93,749 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,462 ક્યુસેક નદીમાં છોડાઈ રહ્યું છે. અત્યાર સુધી નદીમાં કુલ જાવક 5,44,462 ( દરવાજા પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,605 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4400.2 mcm છે.

આ ગામોને કરાયા એલર્ટ
નર્મદા નદીનાં જળ સ્તરમાં વધારો થતા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના લોકોને એલર્ટ કરી દેવાયાં છે.