ઠંડીમાં આ રીતે કરજો દહીંનુ સેવન , નહીંતર પડશો બીમાર


આપણા વડીલો કહેતા હતા કે ઠંડીના દિવસોમાં એ પદાર્થોનું સેવન ન કરવુ જોઇએ, જેની તાસીર ઠંડી હોય, કેમકે તેનાથી તાવ, શરદી થઇ શકે છે. આવી વાતો સાંભળીને આપણે દહીં અંગે મુંઝવણમાં હોઇએ છીએ. આપણે વિચારીએ છીએ કે ઠંડીની સીઝનમાં દહીં ખાવુ જોઇએ કે નહીં?
દહીંમાં ઓછા કાર્બ્સ અને ઉચ્ચ માત્રામાં પ્રોટીન, વિટામીન્સ, ખનીજ અને પ્રોબાયોટિક્સ હોય છે. તેના સેવનથી પાચનશક્તિ વધે છે. જોકે ઘણા લોકો ઠંડીની સીઝનમાં દહીં ખાવાનું છોડી દે છે. કેમકે તેમને લાગે છે કે ઠંડીમાં દહીં ખાવાથી બિમાર પડાશે. તો આવો જાણીએ ઠંડીમાં દહીં ખાઇશું કે નહીં.
રૂમ ટેમ્પરેચર પર કરો દહીંનુ સેવન
આહાર નિષ્ણાત ડો નિવેદિતા સિંહ કહે છે કે દહીંમા ઉચ્ચ માત્રામાં ગુડ બેક્ટેરિયા હોય છે. તે પાચન પણ યોગ્ય કરે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન બી, મેગ્નેશિયમ સારી એવી માત્રામાં હોય છે. ઠંડીની સીઝનમાં રૂમ ટેમ્પરેચર પર દહીંનુ સેવન કરી શકાય છે, પરંતુ વૃદ્ધો અને બાળકોને દહીં વધુ પ્રમાણમાં ન આપીએ તો સારુ. દહીંને ફ્રિજમાં ન રાખો. બપોરના સમયે તેનુ સેવન લાભદાયક હોય છે. જો તમને કફ થતો હોય તો ડોક્ટરને પુછીને જ દહીં ખાવ.