લોકસભા સ્પીકર પદનો નિર્ણય PM મોદી ઉપર છોડતા NDAના ઘટક પક્ષો
નવી દિલ્હી, 18 જૂન : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઈ રહ્યું છે અને 26 જૂને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થવાની છે. ભાજપે સ્પીકર પદના ઉમેદવારના નામ પર સર્વસંમતિ સાધવા માટે તેના NDA ઘટકોનો સંપર્ક કર્યો છે અને તેમની પાસે કોઈ નામ કે સૂચન હોય તો તેમને જણાવવા જણાવ્યું છે. એનડીએના ઘટક પક્ષોએ હજુ સુધી કોઈ નામ સૂચવ્યું નથી અને નિર્ણય ભાજપ પર છોડી દીધો છે. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીના નિર્ણયની સાથે છે. રાજનાથ સિંહને ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં સામેલ પક્ષો તેમ જ વિપક્ષી પક્ષો વચ્ચે સ્પીકર પદની ચૂંટણી માટે સર્વસંમતિ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
મંગળવારે સાંજે તેમના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને ભાજપના સહયોગીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં એલજેપીના વડા ચિરાગ પાસવાન, જેડીયુના નેતા રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ, ડૉ.વીરેન્દ્ર કુમાર, ટીડીપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ ઉપરાંત બીજેપીના કેન્દ્રીય મંત્રી ડો.ધર્મેન્દ્ર પ્રધાન, એસ જયશંકર, મનોહર લાલ ખટ્ટર, પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ અને અન્નપૂર્ણા દેવી વગેરેએ ભાગ લીધો હતો. NDAમાં સામેલ પક્ષોએ 24 જૂનથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કરી હતી. વિપક્ષી એલાયન્સ ઈન્ડિયા જૂથનું કહેવું છે કે જો તેમને લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં નહીં આવે તો તેઓ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો કરશે.
રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા હાલમાં લોકસભાના સ્પીકર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને પગલે તેઓ જૂન 2019માં 17મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. નીતિશ કુમારના જનતા દળ (યુનાઈટેડ)એ કહ્યું છે કે તે સ્પીકર પદ માટે ભાજપની પસંદગીને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે જેડી(યુ) અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) બીજેપીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો ભાગ છે. એનડીએને બહુમતી સુધી લઈ જવામાં આ બંને પક્ષોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.