કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં ફરિયાદીને અરજીમાં હેરાન નહીં કરવા 25 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ ઝડપાયો

Text To Speech

રાજકોટ, 05 ઓગસ્ટ 2024, ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે ACB સક્રિય થઈ ગઈ છે. રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પંચાયત નગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 25 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદીને અરજીમાં હેરાન ન કરવા મામલે કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ફરિયાદીએ લાંચ ન આપવા એન્ટી કરપ્શન બ્યૂરોને જાણ કરી અને આ અંગે છટકું ગોઠવતા કોન્સ્ટેબલ તેમાં ફસાયો હતો. ACBએ જે વ્યક્તિ મારફતે કોન્સ્ટેબલ લાંચ લેતો હતો તે વચેટિયા સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અરજી તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા લાંચ માંગી
રાજકોટ ACB એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક અને સુપરવિઝન ઓફિસ કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં જામનગર એન્ટી કરપ્શન બ્યૂરો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણીએ યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પંચાયત નગર પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું. આ કામના ફરિયાદી વિરૂદ્ધ પંચાયત ચોકી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે અરજી થઈ હતી. જે અરજી કામે આ કામના પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ઓળકીયાએ અરજી તપાસમાં હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 25 હજાર રૂપિયાની લાંચની માગ કરી હતી.આ લાંચની રકમ ખાનગી વ્યક્તિ ભાવીન રૂઘાણી મારફતે આપવા જણાવ્યું હતું.

ફરિયાદીએ જામનગર ACBનો સંપર્ક કર્યો
આ કામના ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી ફરિયાદીએ ટોલ ફ્રી હેલ્પલાઈન મારફતે જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવી પોલીસ કોન્સ્ટેબલ અને તેનો ખાનગી માણસ બંને આરોપીઓને રૂપિયા 25,000ની લાંચ સાથે ઝડપી પાડ્યા હતા. 5 ઓગસ્ટના સવારે જ ACBએ ગોઠવેલા આ ટ્રેપમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. બાદમાં પોલીસે લાંચની રકમ રિકવર કરી હતી. આ સાથે જ ત્યાંના પીએસઆઇની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ બાદમાં આ PSIને જવા દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃજમીન માલિકના હમશકલને દસ્તાવેજ માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જતાં ભાંડો ફૂટ્યો

Back to top button