પંજાબમાં 1 જૂને ખાલીસ્તાનના ધ્વજ ફરકાવવાનું ષડયંત્ર
- લોકસભાની ચૂંટણીમાં માહોલ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ
- કેનેડામાં બેઠકો યોજી ષડયંત્ર રચવામાં આવતું હોવાની માહિતી
- તમામ સુરક્ષા એજન્સીઓ થઈ એલર્ટ
નવી દિલ્હી, 27 મે : પંજાબમાં 1 જૂને યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કેનેડામાં ષડયંત્ર શરૂ થઈ ગયું છે. આ ષડયંત્ર આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ અને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા રચવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણીમાં જનરલ કાઉન્સિલ ઑફ શીખ્સ ફોર જસ્ટિસે કેનેડાથી પંજાબ સુધીના દરેક લોકસભા મતવિસ્તારના મતદાન મથકો પર ખાલિસ્તાનનો ઝંડો લહેરાવવાનું ષડયંત્ર રચ્યું છે.
રૂ.1 લાખના ઈનામની લાલચ
આ માટે આતંકવાદી સંગઠનોએ તેમના કાર્યકર્તાઓ દ્વારા, ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવા અને પ્રચાર ફેલાવવાના નામે દરેક મતદાન મથક પર 1 લાખ રૂપિયાના ઈનામની લાલચ આપી છે. બીજી તરફ આ ચૂંટણીઓની આડમાં કેનેડામાં આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના સંગઠન શીખ ફોર જસ્ટિસે અનેક મોટી સભાઓ યોજીને લોકસભા ચૂંટણીમાં વાતાવરણ બગાડવાનું ષડયંત્ર તૈયાર કર્યું છે.
ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળી
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદીઓએ દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં વિક્ષેપ ઊભો કરવાનું કાવતરું ઘડ્યું છે. આ ષડયંત્ર હેઠળ શીખ ફોર જસ્ટિસે પંજાબના અલગ-અલગ મતદાન મથકો પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની અપીલ કરી છે.
કેનેડામાં અનેક બેઠકો યોજાઈ
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે પંજાબમાં 1 જૂને યોજાનાર મતદાન પહેલા કેનેડાના કેટલાક અલગ-અલગ શહેરોમાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થકો વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. આ બેઠકો દરમિયાન ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
પંજાબમાં માહોલ બગડવાની રણનીતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે કેનેડાના સરે અને એડમોન્ટનમાં આયોજિત ખાલિસ્તાની આતંકવાદીઓની બેઠકો બાદ પંજાબમાં ચૂંટણીનો માહોલ બગાડવાની સંપૂર્ણ રણનીતિ બનાવવામાં આવી હતી. જોકે, સૂત્રોનું કહેવું છે કે આ રણનીતિ બાદ કેનેડામાં જ ઘણા શીખ સંતોએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ જનરલ કાઉન્સિલ ઓફ શીખ ફોર જસ્ટિસે પંજાબના લોકોને લલચાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
પન્નુએ પણ લાલચ આપી હોવાની માહિતી
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોએ નિર્ણય લીધો હતો કે જે પણ 1 જૂને ખાલિસ્તાની ઝંડો ફરકાવવાના લક્ષ્યને પૂર્ણ કરશે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પણ આ ટાર્ગેટ હાંસલ કરવાના બદલામાં લાંચની રકમ વધારવાની જાહેરાત કરી હોવાની માહિતી પણ મળી છે.