ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાનપુરમાં ફરી એકવાર ટ્રેન પલટાવવાનું ષડયંત્ર! રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો

  • રેલવે પોલીસ અને GRPએ ગેસ સિલિન્ડરનો કબજો મેળવી તપાસ શરૂ કરી

ચૌબેપુર, 2 જાન્યુઆરી: કાનપુરના શિવરાજપુરમાં બરાજપુર રેલવે સ્ટેશનના પશ્ચિમમાં 45 નંબર ક્રોસિંગ પાસે રેલવે ટ્રેક પર ખાલી ગેસ સિલિન્ડર મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. રેલવે પોલીસ અને GRPએ ગેસ સિલિન્ડરનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. SP GRPએ બુધવારે સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને કેટલાક તોફાની તત્વોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

ઘટનાસ્થળથી થોડે દૂર ચાર મહિના પહેલા ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખીને કાલિંદી એક્સપ્રેસને પલટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં મોટી દુર્ઘટના લગભગ ટળી ગઈ હતી.

સિલિન્ડર બોરીમાં જ લાવવામાં આવ્યો

પેટ્રોલિંગ દરમિયાન GRPને મંગળવારે રાત્રે માહિતી મળી હતી કે, સ્ટેશનથી પશ્ચિમમાં થોડે દૂર રેલવે ક્રોસિંગ નંબર 45 પાસે રેલવે ટ્રેક પર પાંચ કિલોનો ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો છે. GRP ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં રાખેલો ગેસ સિલિન્ડર મળ્યો. ગેસ સિલિન્ડર ખાલી અને થોડો જૂનો લાગતો હતો, પરંતુ ષડયંત્રની આશંકા સાથે GRPએ તપાસ શરૂ કરી છે. સ્થળ પર એક ખાલી બોરી પણ પડેલી મળી આવી હતી. તેથી સિલિન્ડર બોરીમાં જ લાવવામાં હોવાની માહિતી છે.

SPએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી

રેલવે ટ્રેક પર ફરી એકવાર ગેસ સિલિન્ડર મળી આવતા અધિકારીઓએ આ મામલાની સઘન તપાસ શરૂ કરી છે. ક્રોસિંગની આસપાસના કેટલાક દુકાનદારોને આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ પુરાવો મળ્યો ન હતો. બુધવારે જીઆરપીના એસપી અભિષેક વર્મા અને ઈટાવા રેલવે પોલીસના એસીપી ઉદય પ્રતાપ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફોરેન્સિક ટીમ સાથે તપાસ કરી. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કોઈ તોફાની વ્યક્તિ સામેલ હોઈ શકે છે. સિલિન્ડરને પાટા પર રાખીને પોલીસ અને પ્રશાસનને હેરાન કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

ચાર મહિના પહેલા પણ સિલિન્ડર પાટા પર જ રાખવામાં આવ્યો

9 સપ્ટેમ્બરની રાત્રે કાનપુરથી ભિવાની જતી કાલિન્દ્રી એક્સપ્રેસને રેલવે ટ્રેક પર LPG ગેસથી ભરેલો સિલિન્ડર મૂકીને પલટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ટ્રેન સાથે અથડાયા બાદ સિલિન્ડર કૂદીને દૂર પડી ગયો હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ મામલામાં રેલવે ટ્રેક ઈન્સ્પેક્ટર રમેશ ચંદ્રાએ કેસ દાખલ કર્યો હતો. GRPના ADG સહિતની જ ગુપ્તચર એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી, પરંતુ કંઈ બહાર આવ્યું ન હતું.

આ પણ જૂઓ: અમેરિકામાં ટ્રમ્પ ટાવરમાં ટેસ્લા સાયબર ટ્ર્કમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મૃત્યુ

Back to top button