ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રેન દુર્ઘટનામાં ષડયંત્રની આશંકા! મધરાતે રેલવે ટ્રેક પર શું રાખવામાં આવ્યું? IB કરશે તપાસ

  • મધરાતે લગભગ 2.30 વાગે વારાણસીથી અમદાવાદ જઈ રહેલી 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા

કાનપુર, 17 ઓગસ્ટ: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ટ્રેન અકસ્માત થયો છે. રાત્રે લગભગ 2.30 વાગે વારાણસીથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી 19168 સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ભીમસેન સેક્શનમાં ગોવિંદપુરી સ્ટેશન પાસે આ અકસ્માતમાં 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરે જીવ ગુમાવ્યો નથી. આ ટ્રેન દુર્ઘટનામાં કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રેક પર બોલ્ડર (પથ્થર) સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આ મામલે UP પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તપાસ કરવામાં આવશે.

 

મોડી રાત્રે બનેલી આ દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું, “સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 2.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર પડેલી કોઈ વસ્તુ સાથે અથડાયું હતું. આ પછી તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.” રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આગળ લખ્યું કે, “અકસ્માતના પુરાવા યથાવત્ રાખવામાં આવ્યા છે. IB અને યુપી પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે. આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.”

 

લોકો પાયલટ અને પોલીસે શું કહ્યું?

આ દરમિયાન કાનપુર ADM સિટી રાકેશ વર્માએ જણાવ્યું કે, 22 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. સદનસીબે કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસ દ્વારા સ્ટેશન પરત મોકલવામાં આવી રહ્યા છે. અહીં મેમુ ટ્રેન પણ આવી રહી છે. કોઈપણ રીતે કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માત અંગે લોકો પાયલટે એમ પણ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ અકસ્માત એન્જિન સાથે બોલ્ડર અથડાવાને કારણે થયો હતો, કારણ કે બોલ્ડર એન્જિન સાથે અથડાતાની સાથે જ એન્જીનનો કેટલ ગાર્ડ વળી ગયું હતું.

નોર્થ સેન્ટ્રલ રેલવેના GM ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ જણાવ્યું હતું કે, ટ્રેનના લોકો પાયલટે કોઈ વિદેશી વસ્તુને ટક્કર મારવાની જાણ કરી છે. તપાસ દ્વારા જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ છે. 400 મીટર ટ્રેક તૂટી ગયો છે. પુનઃસ્થાપનમાં સમય લાગી શકે છે. આ મામલે ભારતીય રેલવે દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કેટલીક ટ્રેન રદ્દ કરવામાં આવી 

આ અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. રેલવે દ્વારા રદ્દ કરાયેલી અને બદલાયેલા રૂટની ટ્રેનોની યાદી બહાર પાડવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને કાનપુર સ્ટેશને લાવવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોની મદદ માટે રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

આ પણ જૂઓ: કાનપુરમાં ટ્રેન દુર્ઘટના, સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Back to top button