કન્જક્ટિવાઇટિસ અમદાવાદની સ્કુલોમાં પણ વધ્યોઃ સંચાલકો એક્શનમાં
- અમદાવાદની સ્કુલોના બાળકો પણ આંખના રોગનો શિકાર
- બાળકોને કોઇ પણ સમસ્યા હોય તો ઘરે રાખવા સૂચના
- શિક્ષકો સાદા ચશ્મા કે ગોગલ્સ પહેરીને આવવા લાગ્યા
અમદાવાદ શહેરમાં કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી)ના કેસોમાં સતત વધારો થયો છે. હવે આ રોગ સ્કુલમાં ભણતાં બાળકો સુધી પણ પહોંચી જતાં વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતાનો માહોલ છે. એક વર્ગમાં ભણતાં અનેક બાળકોમાં કન્જક્ટિવાઈટિસ રોગનો ચેપ લાગવાનો ભય ઊભો થયો છે, જેના કારણે શાળા સંચાલકોએ વાલીઓ માટે સ્પષ્ટ સૂચના જાહેર કરી છે કે આંખ આવી હોય તેવાં બાળકોને શાળાએ ન મોકલવાં, જેથી અન્ય બાળકોને તેનો ચેપ ન લાગે. આંખો આવવાના કેસો વધતાં સ્કૂલના ટીચર્સ સાવચેતીના ભાગરૂપે સાદાં ચશ્માં કે ગોગલ્સ પહેરીને સ્કૂલમાં આવી રહ્યા છે.
બાળકોને ઘરે પરત મોકલાયા
આજે શહેરની કેટલીક શાળાઓમાં કેજીનાં બાળકો તેમજ આંખમાં ખંજવાળની ફરિયાદ કરનાર અને લાલ આંખવાળા અન્ય વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સ્કૂલમાંથી વાલીઓને ફોન કરીને પોતાનાં સંતાનોને ઘરે લઇ જવા માટે જણાવાઈ રહ્યું છે, જેથી વાલીઓ તરત જ સ્કૂલે પહોંચીને બાળકને ઘરે લઇ આવ્યા હતા.
‘અખિયાં મિલાકે’ કેમ આજ સીઝનમાં?
અખિયાં મિલાકે નામે જાણીતો થયેલો કન્જક્ટિવાઈટિસ કે આંખનો રોગ વરસાદ દરમિયાન ઘરમાં સૂકવેલાં અને અડધાં ભીનાં કપડાંથી પણ પ્રસરી શકે છે. શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થયાના થોડા દિવસ દરમિયાન જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા બાદ હવે કન્જક્ટિવાઇટિસના રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં હોસ્પિટલમાં આવતા દર્દીમાંથી 40 ટકા જેટલા દર્દીમાં આંખ આવવાના રોગના જોવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કન્જક્ટિવાઇટિસ રોગના કારણે ડોક્ટર્સ સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.
ઘરમાં સુકાતાં કપડાંમાં પણ હોય છે બેક્ટેરિયા
બેક્ટેરિયાના કારણે એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરતો કન્જક્ટિવાઈટિસ વરસાદની સીઝનમાં ઘરમાં સૂકવવામાં આવતાં અડધાં ભીનાં રહેતાં કપડાંમાં રહી જતા બેક્ટેરિયાથી પણ ફેલાઇ શકે છે, જેથી ચોમાસાની સિઝનમાં કપડાં પૂરેપૂરાં સુકાઇ જાય તેની તકેદારી રાખવી જરૂરી છે એટલું જ નહિ, કન્જક્ટિવાઇટિસના દર્દીએ વાપરેલી વસ્તુ કે કપડાંના ઉપયોગથી પણ આ રોગ અન્યમાં ફેલાતો હોય છે. ઘરમાં કોઇ વ્યકિતને કન્જક્ટિવાઇટિસ થયો હોય તેનાં કપડાં સાથે સૂકવેલાં બીજાં કપડાંમાં બેક્ટેરિયા ઝડપથી પ્રસરે છે, જેથી દર્દીનાં કપડાં ભલે જુદાં રાખ્યાં હોય છતાં આ ચેપ ફેલાય છે.
કન્જક્ટિવાઇટિસના લક્ષણો
આંખો આવવી એ સામાન્ય અને જૂની બીમારી છે. આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે. આંખો આવે એટલે કોઇ ઘરગથ્થુ ઇલાજ ન કરતા, નજીકની કોઇ પણ હોસ્પિટલમાં જવું જરૂરી છે.
કન્જક્ટિવાઇટિસના રોગમાં રાખો આ કાળજી
વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત આંખમા ડોક્ટરે આપેલી દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.
આ પણ વાંચોઃ ‘પ્રોજેક્ટ K’ના નામનો થયો ખુલાસો, અમિતાભ-દીપિકા અને પ્રભાસનો જોરદાર સીન